પાકિસ્તાનમાં ભિખારીઓ મામલે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં રસ્તા પર બેભાન હાલતમાં પડેલા એક ભિખારીના ખિસ્સામાંથી લાખો રૂપિયા મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વ્યક્તિ ભીખ માંગવા સાઉદી અરેબિયા જતો હતો. વૃદ્ધ ભિખારી પાસેથી પાસપોર્ટ પણ મળી આવ્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
પાકિસ્તાનમાં બેભાન ભિખારીના ખિસ્સામાંથી 5 લાખ રૂપિયા મળી આવતાં ચકચાર મચી ગયો છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ પંજાબ પ્રાંતના સરગોધા જિલ્લાના ખુશાબ રોડ પર એક ભિખારી બેભાન હાલતમાં પડ્યો હતો. આ વૃદ્ધને હોસ્પિટલ લઈ જનારી રેસ્ક્યુ ટીમે કહ્યું કે તેમની પાસેથી 5 લાખ 34 હજાર રૂપિયા મળી આવ્યા છે.
ભિખારી પાસેથી પાસપોર્ટ પણ મળી આવ્યો હતો. પાસપોર્ટ પર નજર કરતાં માલુમ પડ્યું કે ઘણી વખત તેઓ સાઉદી અરેબિયા ગયા હતા. વૃદ્ધ સાઉદી અરેબિયા જઈને ભીખ માંગતા હતા. પાકિસ્તાનમાંં ભિખારીઓની આ કમઠાણ કોઈ નવી ચર્ચા નથી. અગાઉ પાકિસ્તાનની સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ફજેતીથી બચવા માટે 2000 પાકિસ્તાની ભિખારીઓના પાસપોર્ટ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. અહેવાલ હતો કે આ ભિખારીઓ અન્ય દેશમાં જઈ ભીખ માંગે છે અને તેને કારણે પાકિસ્તાનની નાલેશી થઈ રહી છે.
બેભાન ભિખારી મામલે સ્થાનિક અધિકારીએ કહ્યું, ‘એક અજાણ્યો કોલ આવ્યો જેના પછી બચાવ ટીમ વૃદ્ધ વ્યક્તિને મદદ કરવા પહોંચી હતી. ત્યાં રહેતા લોકોએ ટીમને જણાવ્યું કે આ વ્યક્તિ અહીં આ જ વિસ્તારમાં ભીખ માંગે છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, વૃદ્ધ વ્યક્તિને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તબિયત સુધરતાં તેમને તમામ પૈસા અને સામાન પરત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનીઓ ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા જઈ રહ્યા છે અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં એવા અહેવાલો આવ્યા હતા કે, પાકિસ્તાની નાગરિકો ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા જઈને ભીખ માંગે છે. આ મામલે તપાસ કરતાં સરકારે આ મહિનાની શરુઆતમાં 2000 ભિખારીઓના પાસપોર્ટ રદ કરવા અંગે વિચારણા હાથ ધરી હતી.
પાકિસ્તાનના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સેનેટ કમિટી ઓન ઓવરસીઝ પાકિસ્તાનીઓને જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં ભિખારીઓ માનવ તસ્કરીના માધ્યમથી વિદેશ જઈ રહ્યા છે. મંત્રાલયે સેનેટ સમિતિને જણાવ્યું કે, વિદેશમાં ધરપકડ કરાયેલા 90% ભિખારીઓ પાકિસ્તાની છે. મંત્રાલયના સચિવે કહ્યું, ‘ઇરાક અને સાઉદી અરેબિયાના રાજદૂતોએ કહ્યું છે કે આવી ધરપકડના કારણે તેમની જેલોમાં ભીડ વધી ગઈ છે. સાઉદી અરેબિયામાં મસ્જિદ અલ હરામની બહારથી પકડાયેલા મોટા ભાગના પાકીટ ચોર પાકિસ્તાની મૂળના છે. આ લોકો ભીખ માંગવા ઉમરાહ વિઝા પર સાઉદી પહોંચે છે અને ભીખ માંગીને કે ચોરી કરીને પાકનું નામ ખરાબ કરે છે.