
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા, પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેધરી અને ગૃહમંત્રીએ આપેલું વચન આજે પૂર્ણ થયું, સાધુ સમાજની દીકરીને મળ્યો ન્યાય
કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આજથી બે વર્ષ પહેલા 12.06.2022 નાં રોજ આઠ વર્ષની સગીર બાળા ઉપર જંતરાખડી જ ગામના શમાજી ભીખા સોલંકી દુષ્કર્મ આચરી તેની હત્યા કર્યાના ઘટનામાં કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોડીનાર એડિશનલ સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ એસ.આઇ.ભોરાણીયાએ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ સમાજમાં આવા બનાવો બનતા અટકે તે માટેની નોંધ લઈને આરોપીને ફાંસીની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે. ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત જ કોઈ આરોપીને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે. તેમજ ભોગ બનનાર સગીરાના પરિવારને સરકારની યોજના હેઠળ સરકાર દ્વારા રૂપિયા ૧૭ લાખ ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.
સમગ્ર મામલો શું હતો
ગત તારીખ 12 મે, 2022 ના રોજ જંત્રાખડી ગામની આઠ વર્ષની બાળકીને તે જ ગામના શામજી ભીખા સોલંકી નામના શખ્સે બીડી બોક્સ લેવા મોકલી હતી. આ બાદ તેની સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી. બાદ તેની લાશ ગામની સીમમા આવેલ કેવી સબ સ્ટેશન પાસેના તળાવમાં નાંખી દીધી હતી. સગીરાનો મૃતદેહ મળી આવતા ગામના યુવાને તેના પર કરેલા કૃત્યથી ચારે તરફ ફિટકાર વરસ્યો હતો.
ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરીને રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. રાજ્યમાં બાળકીઓ પર થતા દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આવા કેસોમાં ગુજરાત પોલીસને તે પ્રકારની સઘન કાર્યવાહી કરવા આદેશો આપેલા છે. એટલું જ નહિ, આ પ્રકારના ગંભીર અને સંવેદનશીલ કેસમાં બારીકાઈથી તપાસ હાથ ધરી તમામ આનુષંગિક વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાઓ એકત્ર કરી દોષિતોને ફાંસી સુધીની સજા થાય તેવું ઇન્વેસ્ટીગેશન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે તા.૧૨મી જૂન ૨૦૨૨ના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની ૮ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરી દેનાર એક નરાધમને ફાંસીની સજા અપાઈ છે. આ પ્રકારની કડક કાર્યવાહી થકી, ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને ત્યાર બાદ તેણીની હત્યાનો બનાવ બનતા આ બનાવની ગંભીરતાને આધારે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીની બનેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી. આ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે એફએસએલની મદદ લઇ તમામ સાંયોગિક પુરાવા એકઠા કરી ૨૫ દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરી હતી. આ કેસ નામદર કોર્ટમાં ચાલી જતા નરાધમને ફાંસીની સજા ફરમાવી છે. એટલું જ નહિ, બાળકીના પરિવારને ૧૭ લાખ વળતર ચૂકવવા આરોપીને આદેશ કર્યા છે. દુષ્કર્મ આચરનાર નરાધમને મળેલી કડક એવી ફાંસીની સજાથી માસૂમ દીકરીના પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેધરી અને ગૃહમંત્રીશ્રીએ આપેલું વચન આજે પૂર્ણ થયું છે અને સાધુ સમાજની દીકરીને ન્યાય મળ્યો છે.