ઓનલાઈન ગેમમાં નુકસાન થતાં પોલીસ પુત્રે એક દિવસમાં 3 ઘરમાંથી 4.50 લાખની ચોરી કરી
બીએ સુધી અભ્યાસ કરનારાે યુવક ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયો હતો. ત્રણ દિવસ પહેલા પણ એક મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી
ઓનલાઈન ગેમમાં નુકસાન થતા આર્થિક ભીંસમાં આવી ગયેલા મહિલા પોલીસના પૂત્રએ એક જ દિવસમાં વસ્ત્રાપુર વિસ્તારનાં 3 મકાનમાંથી રૂ.4.50 લાખની ચોરી કરી હતી. સીસીટીવીના આધારે પોલીસે બીએ સુધીનો અભ્યાસ કરનાર પોલીસ પૂત્રને ઝડપી લીધો હતો. તપાસ કરતા આ જ યુવકે 3 દિવસ પહેલા પણ વસ્ત્રાપુરના એક મકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
વસ્ત્રાપુરમાં આવેલા 3 મકાનના તાળા તોડીને ધોળે દિવસે રૂ.4.50 લાખની મત્તાની ચોરી થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા ટુ વ્હીલર ઉપર મોઢા પર રૂમાલની બુકાની બાંધીને જતો દેખાયો હતો. પોલીસ તે યુવકના ઘર જીવરાજ પાર્ક સારાંશ ફલેટ સુધી પહોંચી હતી અને યુવરાજ ભટ્ટ(20)ને ઝડપી લીધો હતો.
યુવરાજ ભટ્ટની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેની માતા હાલમાં અમદાવાદનાં એક પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે યુવરાજે બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો. ઓનલાઈન ગેમમાં નુકશાન થતા તે આર્થિક ભીંસમાં આવી ગયો હતો. જેના કારણે યુવરાજે ચોરી કરી હતી. વસ્ત્રાપુર પીઆઈ એલ.એલ.ચાવડા એ જણાવ્યું હતું કે, 22 જૂલાઈએ પણ વસ્ત્રાપુરના એક મકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
બોડકદેવ અને વસ્ત્રાપુરનાં ઘરોનાં તાળાં તોડ્યાં
(બોડકદેવ પ્રેમાંજલિ સોસાયટીમાં આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટના એક ફલેટમાંથી રૂ.1.31 લાખની ચોરી)
( બોડકદેવ મહેસાણા અર્બન બેંકની સામે આવેલા શુભ શાંતિના એક ફલેટમાંથી રૂ.2.01 લાખની ચોરી)
(વસ્ત્રાપુર એલજે કોલેજ રોડ ઉપર આવેલા પલક એવન્યૂના ફ્લેટમાંથી રૂ.1.10 લાખની ચોરી)
યુવક બપોરના સમયે જ ચોરી કરવા નીકળતો હતો
યુવરાજ વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારમાં અવાર નવાર આવતો હોવાથી વિસ્તારથી માહિતગાર હતો. જેથી તે ટુ વ્હીલર ઉપર વસ્ત્રાપુર – બોડકદેવ વિસ્તારમાં ફરતો અને જ્યાં પણ બંધ મકાન દેખાય ત્યાં જઈને પાના વડે તાળું તોડીને ચોરી કરતો હતો. જો કે યુવરાજે ચારેય ચોરી બપોરના સમયે જ કરી હતી.