જર્મનીમાં અભ્યાસ અર્થે ગયેલા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામના યુવકનું જર્મનીમાં રહસ્યમય રીતે મોત નીપજ્યું છે. જેમાં યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. દિકરાના મોતના સમાચાર સાંભળતા પરિવાર હિબકી ઉઠ્યું હતું. જર્મનીમાં યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા પછી વિદેશ મંત્રાલયના સહકારથી મૃતદેહને વતન લાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ, રક્ષાબંધન પહેલા બહેને એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
પાંચ દિવસ પહેલા તળાવમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
મળતી માહિતી પ્રમાણે, ચાણસ્મા તાલુકાના સેવાળા ગામનો ચિરાગ પટેલ પાંચ વર્ષ પહેલા ઓટોમોબાઈલના અભ્યાસ અર્થે જર્મની ગયો હતો. બીજી તરફ, પાંચ દિવસ પહેલા જર્મનીના એક તળાવમાંથી રહસ્યમય રીતે ચિરાગનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી સ્થાનિક પોલીસ દ્વારા ચિરાગના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તેવામાં ચિરાગના પાર્થિવ મૃતદેહને વતનમાં મોકલવા માટે સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો
ચિરાગનો પરિવાર હાલ સુરત ખાતે રહે છે. દિકરાનું મોત નીપજ્યું હોવાની જાણકારી મળતા પરિવાર ચોંકી ઉઠ્યાં છે. જર્મનીમાં દિકરાનું રહસ્યમય રીતે મોત થતાં પરિવારમાં શોક છવાયો છે. જ્યારે રક્ષાબંધન પહેલા બે બહેનો તેનો એકનો એક ભાઈ ગુમાવતા પરિવાર પર દુઃખનું આભ ફાટ્યું છે. બીજી તરફ, યુવકનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટથી સુરત ખાતે લઈ જવામાં આવશે.