ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા હોવાનો જીવતો જાગતો પુરાવો મળ્યો છે. ભાજપના જ નેતા દારૂના મોટા જથ્થા સાથે પકડાયા છે. નવાઈની વાત એ પણ છે કે આ નેતા સાથે પોલીસકર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલડિયા ગામ પાસેથી પોલીસે જયેશ ભાવસાર નામના ભાજપના નેતાની દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે. જયેશ ભાવસારની ધરપકડ થઈ ત્યારે અમદાવાદ શહેરના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા આર્મ એ.એસ.આઇ. પ્રવીણકુમાર ધનજીભાઇ ચૌહાણ સાથે હતા. આ આરોપીઓને ચિઠોડા પોલીસે વિદેશી દારૂના જથ્થા તથા બિયરના જથ્થા સાથે ઝડપી લીધા છે.
ગુજરાતમાં દારૂની રેલમછેલ તેમજ ડ્રગ્સ પકડાવાના પણ અનેક બનાવો બની રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે પોલીસ જ દારૂની હેરાફેરીમાં જોડાઇ ગઈ હોય એવું પ્રકાશમાં આવ્યું છે. થોડા સમય પૂર્વે જ ભચાઉમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બૂટલેગર સાથે ઝડપાઇ હતી. બાદમાં તે પોલીસને થાપ આપીને નાસી છૂટી હતી. જોકે તાજેતરમાં પોલીસે તેને ઝડપી લીધી છે. આ પ્રકરણ માંડ શાંત થયું ત્યાં વળી પોલીસ અને ભાજપના આગેવાન પણ દારૂની હેરાફેરી કરતા હોવાની હકીકતનો પર્દાફાશ થવા પામ્યો છે.
અમદાવાદ શહેરમાં પણ ખાસ કરીને અસારવા તેમજ મેઘાણીનગર સહિતના અનેક પૂર્વના વિસ્તારોમાંથી દારૂ ભૂતકાળમાં પણ ઘણીવાર પકડાયો છે. એનાથી પણ વિશેષ અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક રહે છે. તેમનું ઘર મેઘાણીનગર પોલીસ મથકની હદમાં આવેલું છે. આ હદમાં દારૂનું જાહેર રોડ પર વેચાણ થતું હોવાની રજૂઆતના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ખુદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને આ અંગે તપાસ કરીને કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
ભાજપના રાજમાં ભાજપના નેતાઓ ડર વગર બે નંબરના ધંધાઓમાં વળી ગયા છે. આ બે નંબરના ધંધાઓ કરનારાઓનો સંપર્ક ક્યાંકને ક્યાંક રીતે બીજેપીના મોટા માથાઓ સાથે હોવાનું સામે આવી રહ્યું છે. દારૂના મસમોટા જથ્થા સાથે ઝડપાયેલા જયેશ ભાવસારના હર્ષ સંઘવી, સીઆર પાટીલ સહિત અનેક ભાજપના ટોચના નેતાઓ સાથે ફોટોગ્રાફ સામે આવ્યા છે.
બીજેપીના રાજમાં બે નંબરીયા અને બૂટલેગરો ફૂલ્યા ફાલ્યા છે. બીજેપીના નેતાઓ બે નંબરનો ધંધો કરનારાઓને પીઠબળ પૂરૂ પાડતા હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. પરંતુ અહીં તો પોતે બીજેપી નેતા જ બે નંબરના ધંધો કરવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાત ટાઇમ્સ24એ મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગના વધી રહેલા ગેરકાયદેસર ધંધાને વેગ મળવા પાછળ અને આરોપીનો છાવરવા પાછળ ક્યાંકને ક્યાંક બીજેપીના કેટલાક નેતાઓ પડદા પાછળથી કામ કરી રહ્યાં હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ અંગે તપાસ કરવામાં આવે તો ચોક્કસ રીતે અનેક મોટા ખુલાસાઓ થઈ શકે તેમ છે. પરંતુ વિસનગર પોલીસ આંખ આડા કાન કરી રહી છે.