દરિયાપુર અને શાહપુરમાં ધમધમતા દારૂના અડ્ડાથી લોકો પરેશાન
અમદાવાદના કેટલાક પોલીસ મથકો એવા છે કે જ્યાં ચોક્કસ લોકોની નાઇટ હોય કે તેઓ ખાસ ડ્યૂટી પર હોય ત્યારે શહેરમાં વિજિલન્સની રેડ પડે જ. આવું જ કંઇક દરિયાપુરમાં પડેલી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં પોલીસના ધ્યાનમાં આવ્યું છે. દરિયાપુરની નાની હવેલીની પોળમાં દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે જ વિજિલન્સે રોડ કરીને દોઢ લાખનો દારૂ ઝડપી લીધો હતો. જ્યારે પાંચેય બૂટલેગરો વાહનો મૂકીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.
અમદાવાદવાદ શહેરમાં દારૂ અને જુગારના અડ્ડા ધમધમતા થઇ ગયા છે તેથી નાગરિકો પરેશાન થઇ ગયા છે. તેમાંય વળી શાહપુર અને દરિયાપુરમાં આ દૂષણ વધી જતાં સ્થાનિક જનપ્રતિનિધિઓ સુધી તેની ફરિયાદ પહોંચી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ કે.ડી. જાદવને બાતમી મળી હતી કે દરિયાપુર નાની હવેલીની પોળમાં રાજુ ઉર્ફે નાનો પ્રજાપતિ દારૂનું કટિંગ કરાવી રહ્યો છે. વિજિલન્સના કે.ટી. કામરિયાના આદેશથી દરોડો પાડીને પલીસે દોઢ લાખનો દારૂ ઝડપી લીધો હતો. પોળમાંથી ભાગવાનો રસ્તો હોવાથી બૂટલેગરો ભાગી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી દરિયાપુર અને શાહપુરમાં ધમધમતા દારૂ જુગારના અડ્ડાથી લોકો પરેશાન છે. બીજી તરફ, ચોક્કસ તત્ત્વોની નાઇટ હોય ત્યારે જ શહેરમાં વિજિલન્સના દરોડા પડતા હોય છે તેની તપાસ પણ હવે ઉચ્ચ સ્તરે કરવામા આવી રહી છે. દરિયાપુર પોલીસ મથકમાં એવી ચર્ચા છે કે પેટીએ રૂ. 300 કમિશનના ઝઘડામાં અંગત માણસો જ દરોડા પડાવી રહ્યા છે.