ACPના સુપરવિઝન હેઠળ ડ્રગ્સના સેવન-વેચાણ અટકાવવાની સાથે હુક્કાબાર ચેકિંગ તથા સ્ટંટબાજોને પકડવામાં આવશે
શહેરના સિંધુભવન રોડ તથા તેની આસપાસના વિસ્તારોમાં માદક દ્રવ્યો, નશીલા પદાર્થોના સેવન અને વેચાણની ગેરકાયદે પ્રવૃત્તિ પર રોક લગાવવા ફરી એક વખત ડ્રાઇવ યોજાશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત મળી હતી કે અહીં મોડી સાંજથી રાત સુધી યંગસ્ટર્સ પૂરઝડપે બાઇક અને હાઇફાઇ ગાડીઓ હંકારીને સ્ટંટ કરે છે. જેને લઇને હવે ફરી એક અઠવાડિયાની ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. આ તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની સાથે પોલીસ કાફે અને હુક્કાબારમાં ચેકિંગ હાથ ધરશે. સાથે જ સ્ટંટબાજોને પકડી તેમની સામે કેસ કરશે. આ ડ્રાઇવમાં સ્થાનિક પોલીસની સાથે સાથે ઝોન-1 અને 7ના અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ અને પોલીસ કર્મીઓને રોજે રોજ ACPના સુપરવિઝન હેઠળ ડ્રાઇવની કામગીરી કરવાની રહેશે.
શહેરના બોડકદેવ અને સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સિંધુભવન રોડ તથા તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને કાફે ચેકિંગ કરશે. આ વિસ્તારોમાં માદક દ્રવ્યો, નશીલા પદાર્થોના સેવન અને વેચાણ થતા હોવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત મળી હતી. સાથે મોડી રાત સુધી લોકો અહીં સ્ટંટ કરતા હોવાની પણ રજૂઆત મળતા પોલીસ ફરી એક્શનમાં આવી ગઇ છે. આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા અને સ્ટંટબાજોને રોકવા ફરી એક વખત સેક્ટર-1ના અધિક પોલીસ કમિશનર નિરજકુમાર બડગુજરે ડ્રાઇવનો આદેશ આપ્યો છે. આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ મોટાભાગે સાંજથી રાત્રિના સમયે થતી હોવાથી સિંધુભવન રોડ તેમજ આસપાસના વિસ્તારમાં સોમવારથી રવિવાર સુધી રાત્રે 8થી 12 ના સમયગાળામાં આ ડ્રાઇવ યોજાશે. પકવાન ચાર રસ્તાથી સિંધુભવન રોડ તથા આસપાસના વિસ્તારમાં પોલીસ ખાનગી વેશમાં જઇને ચેકિંગ કરશે. યોગ્ય કામગીરી થાય અને અસામાજિક પ્રવૃત્તિ પર રોક લગાવી શકાય તે માટે ઝોન-1 અને 7ના અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓને આ ડ્રાઇવ અંતર્ગત કામગીરી કરશે.
20 સભ્યોની ટીમ આ કામગીરી કરશે
ગેરકાયદે પ્રવૃત્તિઓ બાબતે અનેક વાર રજૂઆત મળે છે. સ્થાનિક પોલીસ અવાર નવાર આ પ્રકારના કેસ પણ કરે છે. જેથી ફરી એક વખત આ ડ્રાઇવ યોજવામાં આવશે. એક જ પોલીસ સ્ટેશનના અધિકારી કે કર્મીઓથી રોજેરોજ આ કામગીરી શક્ય ન હોવાથી આ વખતે અલગ પ્રકારનું આયોજન કરાયું છે. અલગ અલગ દિવસે ઝોન-1 અને 7ના અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ અને કર્મીઓને ડ્રાઇવની કામગીરી કરવાની રહેશે. જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના એક પીઆઇ, બે પીએસઆઇ, 15 કોન્સ્ટેબલ-હેડકોન્સ્ટેબલ અને ચાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ આ ટીમમાં સામેલ રહેશે. – નિરજકુમાર બડગુજર, અધિક પોલીસ કમિશનર, સેક્ટર-1
ત્રણ ACPનું સુપરવિઝન રહેશે
અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મીઓને કામગીરી માટે અલગ અલગ દિવસો આપવામાં આવ્યા છે તેમ સુપરવિઝન કરનાર અધિકારીના પણ વારા રાખવામાં આવ્યા છે. બે દિવસ એ ડિવિઝન ACP, બે દિવસ એમ ડિવિઝન ACP અને ત્રણ દિવસ એન ડિવિઝન ACP આ કામગીરીનું સુપરવિઝન કરશે. જેમાં પોલીસે બોડીવોર્ન કેમેરા અને બ્રેથ એનલાઇઝર સાથે રાખીને દંડ ફટાકારવો, પૂરઝડપે વાહન હંકારી સ્ટંટબાજો સામે કેસ કરવા, પ્રોહિબિશનના કેસ કરવા, કાફે તપાસવા સહિતની કામગીરી કરવાની રહેશે.