23 જુલાઈના રોજ સવારે 5 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદનો એસજી હાઈવે ફરી એક વખત જીવલેણ સાબિત થયો છે. અહીં એસટી બસની અડફેટે એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર YMCA ક્લબ પાસે વહેલી સવારે એસટી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સંબંધિત પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 23 જુલાઈના રોજ સવારે 5 વાગ્યાના અરસામાં YMCA ક્લબ પાસે એસજી હાઈવે પર મોટર સાઈકલ અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક 25 વર્ષીય રાયમલભાઈ વાધુભાઈ રબારીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. બસ કૃષ્ણનગરથી રાજુલા રૂટની હતી. બસના ડ્રાઈવરની ઓળખ વજુભાઈ કાનાભાઈ સોલંકી તરીકે થઈ છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.