પૂર્વમાં રામોલ વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રામોલની ઈસ્લામાબાદ સોસાયટી પાસે ત્રણ વર્ષનું બાળક મિત્રો સાથે રમી રહ્યું હતું ત્યારે પૂરઝડપે આવી રહેલ આઈસર ટ્રકના ચાલકે તેને ટક્કર મારી હતી જેના કારણે જમીન પર પટકાતા બાળક પરથી ટ્રકનું ટાયર ફળી વળતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
માતા સારવાર હેઠળ હતી, બાળક તેના મિત્રો સાથે રમી રહ્યો હતો તે સમયે ટ્રકે અડફેટે લીધો ઃટ્રાફિક પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોધીને તપાસ હાથ ધરી
રામોલમાં રહેતા નિવૃત્ત જીવન ગુજારાતા આધેડે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આઇસર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની પુત્રીના લગ્ન બિહાર ખાતે થયા હતા તેમને સંતાનમાં બે છોકરા અને એક છોકરી છે તેમની દિકરી દોઢ મહિનાથી તેમના ત્યાં રહેવા માટે આવ્યા હતા અને તેઓ બિમાર હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
શનિવારે બપોરના સમયે ૩ વર્ષનો પૌત્ર ઘર પાસેના રસ્તા ઉપર મિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યારે પૂરઝડપે આવી રહેલ આઈસર ટ્રકે રમી રહેલા માસૂમ બાળકને ટક્કર મારી હતી. જેથી તે જમીન પર પટકાયો હતો. દરમિયાન ટ્રકનું ટાયર તેના માથા ઉપર ફળી વળ્યુ હતુ. જેથી ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આઈસર ટ્રકનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર આઈસર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.