
સુરતમાં સતત બીજા દિવસે ધોધમાર પડી રહેલા વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત સુરતમાંથી પસાર થતી રેલવે લાઈન નીચે વાહન વ્યવહાર માટે જે ગરનાળા બનાવવામા આવ્યા છે તે ગરનાળામાં પણ પાણીનો ભરાવો થતાં તમામ ગરનાળા વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પાણી હોવા છતાં કેટલાક વાહન ચાલકોએ વાહન પસાર કરવા માટે ગયા હતા પરંતુ તેમના વાહનો બંધ થતાં ભેરવાયા હતા.
સુરત શહેર અને વરાછા વિસ્તારને જોડતું સુર્યપુર ગરનાળું આજે ભારે વરસાદના કારણે ભરાઈ ગયું હતું. સુરતીઓ અને વરાછાવાસીઓ માટે શહેરમાં પ્રવેશ માટે કે વરાછા જવા માટે આ ગરનાળું મુખ્ય રસ્તો છે પરંતુ આજે આ ગરનાળું પાણીથી ભરાતા પીક અવર્સમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ કેટલાક લોકોએ વાહન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો તેઓના વાહન બંધ થઈ જતાં માંડ વાહન બહાર કાઢી શક્યા હતા.
આવી જ રીતે ડુંભાલ અને લિંબાયત ખાતે પણ રેલ્વે ગરનાળા છે તે ગરનાળા પણ પાણીથી ભરાયેલા હોવાથી વાહન વયવહાર માટે હાલ પુરતા બંધ કરવામાં આવ્યા છે. આ ગરનાળા બંધ હોવાથી લોકોએ અન્ય વૈકલ્પિક રસ્તા પરથી વાહન દોડવાનું શરૂ કરતાં એ રોડ પર ભારે ટ્રાફિક સમસ્યા થઈ હતી.