વડોદરાના તરસાલી નવીનગરી ખાતે બે મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરવાની પ્રવૃતી કરતા પ્રોહી બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે તરસાલી નવીનગરી ખાતે રેઇડ કરી ઇસમ ઈબ્રાહીમ ઉર્ફે સલીમ અલભા મલેક (રહે. તરસાલી નવીનગરી તથા વડદલા ગામ શ્રીજીનગર કોલોની)ને તેના કબજાવાળા બે મકાનમાં વેચાણ કરવાના ઇરાદે રાખેલ જુદા-જુદા બ્રાન્ડનો વિદેશી દારૂ ભરેલી બોટલો તથા બિયરના ટીન કબ્જે લેવામાં આવ્યા હતા. બીયર બ્રાન્ડની બોટલ તથા ટિન મળી કુલ નંગ 727 કુલ કિંમત રૂ.90,955 તેમજ મો.ફોન, રોકડા રૂ.400, મળીને કીંમત રૂપિયા 92,355ના મુદ્દામાલ સાથે આરોપીને શોધી કાઢ્યો હતો. ઇસમની પ્રાથમીક પુછપરછ અને તપાસ દરમ્યાન વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના બબલું મારવાડી નામના ઇસમ પાસેથી મેળવેલાનું અને વેચાણ કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે બે મકાનોમાં રાખેલાનું જણાઇ આવતા વિદેશી દારૂ સહીતનો તમામ મુદ્દામાલ કબજે કરી દારૂના જથ્થા સાથે પકડાયેલ ઇસમ ઇબ્રાહીમ ઉર્ફે સલીમ તેમજ વિદેશી દારૂનો જથ્થો આપનાર રાજસ્થાનના બબલું મારવાડી સામે પ્રોહીબીશન એકટ અન્વયે કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ માટે કપુરાઇ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. દારૂના જથ્થા સાથે પકડાયેલ આરોપી ઈબ્રાહીમ ઉર્ફે સલીમ અલભા મલેક સામે અગાઉ વડોદરા શહેર તથા ગ્રામ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ખુન, મારામારી, દારૂના મળી 15થી વધુ ગુનાઓ નોંધાયેલ છે. ઇસમ તેની ગુનાહીત પ્રવૃતીના કારણે અગાઉ બે વખત પાસા હેઠળ જુદી જુદી જેલમાં ગયેલ હતો.