પાણી ભરેલા ખાળિયામાં ઉતરી જતાં કરૂણાંતિકા સર્જાઈ
અમરેલીના લીલિયાથી પરિવાર સુરત જઈ રહ્યો હતો, લોકોએ દોડી જઈ કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડયાં
ધંધુકા : અમરેલી જિલ્લાના વતની પરિવાર સુરત જઈ રહ્યો હતો. ત્યારે ધંધુકા તાલુકાના હરીપુરના પાટિયા પાસે કાર પલટી મારી જઈ પાણી ભરેલા ખાળિયામાં ખાબકતા એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે કારમાં ફસાયેલા બે વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ધંધુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
કરૂણાંતિકાની મળતી વિગત પ્રાથમિક વિગત અનુસાર અમરેલી જિલ્લાના લીલિયા ખાતેથી આજે શુક્રવારે એક પરિવાર કારમાં સવાર થઈ સુરત તરફ જઈ રહ્યો હતો. દરમિયાનમાં સાંજના સમયે ધંધુકા-બગોદરા રોડ પર હરીપુરના ફાટિયા પાસે પહોંચતા કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા પરથી નીચે ઉતરી પલટી મારીને પાણી ભરેલા ખાળિયામાં ખાબકી ગઈ હતી. જે બનાવમાં અમરેલી જિલ્લાના ફતેપુર અને લીલિયા ગામે રહેતા બચુભાઈ ગોવિંદભાઈ કાસડિયા, મગનભાઈ રૂડાભાઈ દૂધાત અને અજવાળીબેન મગનભાઈ દૂધાતના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. કાર પલટી મારી ગયાની જાણ થતાં લોકોએ દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી કારમાં ફસાયેલા રૂત્વિકભાઈ ભરતભાઈ કાસડિયા (ઉ.વ.૨૭) અને નીકિતાબેન રૂત્વિકભમાઈ કાસડિયા (ઉ.વ.૨૫)ને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યારે અકસ્માતની કરૂણ ઘટનામાં મોતને ભેટેલા મહિલા સહિતના ત્રણેય હતભાગીઓના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપી ધંધુકા પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હોવાનું ધંધુકા પીએસઆઈએ જણાવ્યું હતું.