Breaking
Sun. Jan 19th, 2025

મુલાસણા અને ડુમસના જમીન કૌભાંડમાં સામેલ મોટાં માથા પર CMO મહેરબાન

Spread the love

ગુજરાતમાં મુલાસણા અને સુરતના ડુમસની જમીનમાં થયેલા કૌભાંડોની તપાસ આગળ વધી રહી નથી તેની પાછળનું મુખ્ય કારણ સરકારની શંકાસ્પદ દાનત છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજ્યના તમામ જમીન કૌભાંડોમાં મુખ્યમંત્રી કાર્યાલય મોટા માથાંને છાવરી રહ્યું છે. અત્યાર સુધી આ બંને જમીન કૌભાંડોમાં કલેક્ટરો સામે પગલાં લેનારી સરકાર તેમના જ નેતાઓ છટકી જાય તેવી તપાસ કરી રહી છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે ગાંધીનગરમાં સરકારી જમીનમાં થયેલાં કૌભાંડોની વિગતો આપતાં જણાવ્યું હતું કે રાજ્યના મહેસૂલ વિભાગને ભ્રષ્ટાચાર આચરવામાં એવોર્ડ આપવો પડે તેટલા જમીન કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યાં છે. ખાસ કરીને સરકારી અને ગૌચરની જમીનના કૌભાંડોએ તો રાજ્યમાં હદ વટાવી દીધી છે. જે જમીનો ઉદ્યોગ જૂથોને આપી દેવાઈ છે તે જોતાં એવું કહી શકાય કે દૈનિક ધોરણે 14.22 લાખ ચોરસ મીટર ગૌચરની મહામૂલી જમીનો ઉદ્યોગને લ્હાણી કરી દેવામાં આવી છે.

વિપક્ષના નેતાએ કહ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના કલોલમાં મુલાસણાનું 20,000 કરોડનું સૌથી મોટું જમીન કૌભાંડ થયું છે, જેમાં પાંજરાપોળની 60 લાખ ચોરસ મીટર જમીન તમામ નીતિ-નિયમોને નેવે મૂકીને વેપાર કરવામાં આવ્યો છે. આ જમીનમાં ચેરિટી કમિશનરની મંજૂરી નથી. જમીન ટોચ મર્યાદાના કાયદાનો તેમજ ગણોતિયાનો ભંગ થયો છે છતાં ખોટી રીતે એન.એ.ના હુકમો કરવામાં આવ્યા છે.

આ કૌભાંડમાં પૂર્વ કલેક્ટર સામે તપાસ કરીને જેલમાં મોકલ્યા છે તે સાબિત કરે છે કે આ જમીનમાં કૌભાંડ થયું છે, પરંતુ આ કેસમાં રાજકીય નેતાઓ, મંત્રીઓ અને સચિવોની સંડોવણી હતી તેની તપાસ થતી નથી. આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ કોણ હતા તે સરકાર બહાર લાવતી નથી. એક પૂર્વ મુખ્યમંત્રીના સમયમાં થયેલું કૌભાંડ વર્તમાન મુખ્યમંત્રી બહાર લાવી શકતા નથી. આ કેસમાં જે તપાસ ટીમ રચવામાં આવી છે તેનો રિપોર્ટ આટલા વર્ષો પછી પણ જાહેર કરાતો નથી. આજે ખુલ્લેઆમ બાંધકામો થઇ રહ્યાં છે.

નેતાઓના આશીર્વાદથી ડુમસમાં જમીન કૌભાંડ થયું છે…

સુરતના ડુમસમાં 2000 કરોડની સરકારી જમીન ગણોતિયાના નામે કરીને વેચી દેવાઈ હતી. આ તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હોમટાઉન છે. આમ છતાં આ કેસમાં માત્ર કલેક્ટરને સસ્પેન્ડ કરી સંતોષ માની લેવાયો છે. આ કેસમાં પણ મોટા માથાંને છાવરવામાં આવી રહ્યાં છે. આ નેતાઓની ઇચ્છા અને આશીર્વાદ વિના પાંદડું પણ હાલે નહીં છતાં આ કૌભાંડ કોની સૂચનાથી થયું, કોના લાભાર્થે થયું છે તેની તપાસ કરીને મોટા માથાંને ખુલ્લા પાડવા જોઇએ. સરકારમાં બેઠેલા લોકોના સીધા આશીર્વાદ છે.

દાહોદમાં આદિવાસીઓની જમીન ભાજપ ચરી ગયું છે…

દાહોદમાં તો આદિવાસી જમીન પચાવી પાડવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. જે લોકો ખેડૂત નથી તેમને એનએ થયેલી જમીનો પધરાવી દેવાઇ છે, જેમાં નાના કર્મચારીઓ સામે તપાસ કરી પગલાં લેવાય છે પરંતુ જેમાં દાહોદના ભાજપના ટોચના નેતાઓ સંડોવાયેલા છે છતાં તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ગાંધીનગરમાં આખું ગામ વેચાઇ ગયું છે. કચ્છમાં અદાણીને આપેલી 108 હેક્ટર ગૌચરની જમીન પાછી લેવા માટે હાઇકોર્ટે હુકમ કરવો પડ્યો છે. સુરેન્દ્રનગર અને અમદાવાદની સંસ્કાર ધામની જમીનમાં પણ મોટા કૌભાંડો થયાની તપાસ શંકાસ્પદ રીતે ચાલી રહી છે.

CM કૌભાંડો બાબતે પગલાં લેવામાં ઢીલા પડે છે.

અમિત ચાવડાએ કહ્યું કે હાલના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ કહેવાય છે પરંતુ આવા જમીન કૌભાડોમાં મૃદુ છે પણ પગલાં લેવામાં તેઓ મક્કમ નથી. રાજ્યમાં ઘણાં જમીન કૌભાંડો થયાં છે પણ આજ દિન સુધી શું તપાસ થઇ અને અને શું રિપોર્ટ આવ્યો તે જાહેર થયું નથી તેથી આવા તપાસના નાટકો રચીને થોડાં લોકોને જેલમાં લઇ મોટા માથાઓને બચાવવામાં આવ્યા છે તેથી અમારી માગણી છે કે વિધાનસભાના ચોમાસુ સત્રમાં બધાં જમીન કૌભાંડોના રિપોર્ટ જાહેર કરી તેની ચર્ચા કરવામાં આવે તે માટે અમે વિધાનસભાના સ્પીકરને પત્ર લખી માગણી કરી છે.

ભ્રષ્ટાચાર એકલા હાથે નહીં, સુવ્યવસ્થિત નેટવર્ક થકી જ થાય

સરકારનો વહીવટ નિયમ, પ્રક્રિયા અને ધોરણ અનુસાર ચાલતો હોય છે. મહેસૂલી બાબતોમાં કોઈ એક વ્યક્તિ કોઈ ચોક્કસ વર્ગ કે પક્ષકારને ફાયદો કરાવી શકે જ નહીં. ભ્રષ્ટાચારનું નેટવર્ક ઉચ્ચ કક્ષાથી સાવ નીચા વર્ગના કર્મચારી સુધી વ્યાપક અને સંગઠિત રીત ચાલતું હોય તો જ આવી તરફદારી, તિજોરીને, સામાન્ય પ્રજાન નુકસાન થાય રીતે ચાલી શકે. ભ્રષ્ટાચાર છાપરે પોકારે ત્યારે કોઈ એક વ્યક્તિને સસ્પેન્ડ કરી કે તેની સામે ફરિયાદ કરી સરકાર ‘પગલાં લીધા’ એવી છાપ ઉભી કરે છે. આ નેટવર્કને તોડી પાડવા માટે કોઈ નક્કર પગલાં લવાતા નથી. કેટલાક કિસ્સામાં તો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ પછી તે ભ્રષ્ટ નિર્ણયને રદ્દ કરવા માટે પણ કોઇ કામગીરી થતી નથી.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *