
હજુ રાજ્યમાં ઉનાળાની શરૂઆત જ થઇ છે. ત્યાં તો આગ લાગવાની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. એક પછી એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. આજે વહેલી સવારે કલોલમાં બે અલગ અલગ સ્થળો આગ લાગવાની ઘટના બની હતી. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિનાયક ટ્યુશન ક્લાસમાં આગની ઘટના સામે આવી છે. તો બીજી તરફ કલોલ હાઇવે પાસે આવેલા MD મસાલાના ગોડાઉનમાં આગ લાગતાં માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
રાજ્યમાં વધુ એક સ્થળે આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કલોલ હાઇવે પાસે આવેલ એમ ડી મસાલાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાને કારણે કરોડોનો માલ-સામાન બળીને રાખ થઈ ગયો હતો.આ આગ સવારે 7 વાગ્યાની આસપાસ લાગી હતી.
કરોડોનો માલસામાન બળીને રાખ
ઘી અને તેલના ડબ્બા હોવાથી આગ વધું વિકરાળ બની હતી. સદનસીબે આ દુર્ઘટનામાં જાન હાની ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ફાયર-ફાઈટરોએ કાબૂમાં લીધી આગ
આગ લાગવાની ઘટનાની જાણ કલોલ નગરપાલિકાને અને પોલીસને કરવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે કલોલ નગરપાલિકાના ફાયર ફાઈટરો અને ONGCના ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવાની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે હજુ તો ગરમીની શરૂઆત જ થઈ છે ત્યાં આગ લાગવાની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે.