
ગાંધીનગર શહેરના સરગાસણમાં આવેલી શ્રી રંગ નેનોસિટી વસાહતમાં પત્ની અને પુત્રની હત્યા કરનાર હરેશ વાઘેલાની ગઈકાલે પોલીસે ધરપકડ કરી લીધા બાદ આજે કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ ઉપર લેવાયો છે તેને સાથે રાખીને ઘરે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.
સરગાસણ ખાતે આવેલી શ્રીરંગ નેનોસિટી વસાહતમાં મકાન નંબર આઈ-૩૦૩માં રહેતા મૂળ સુરેન્દ્રનગરના હરેશ કનુભાઈ વાઘેલાએ ગત ગુરૃવારના રોજ તેના ઘરે પત્ની આશાની ગળે ટૂંપો આપીને કરપીણ હત્યા કરી હતી અને ત્યારબાદ તેના પાંચ વર્ષના પુત્ર ધ્રુવનું પણ માથું પછાડીને હત્યા કરી નાંખી હતી. હરેશ દ્વારા પણ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે સારવાર પૂરી થયા બાદ ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેને સાથે રાખીને તેના ઘરે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં તેણે કબુલાત કરી હતી કે, રમી સર્કલ નામની ગેમમાં ચાર લાખ રૃપિયાનું દેવું થઈ ગયું હતું અને તેના કારણે પતિ પત્ની વચ્ચે તકરાર થઈ હતી. આ દરમિયાન પત્નીએ મરી જવાની વાત કરતા તેણે કહ્યું હતું કે હું જ તને મારી નાખીશ તેમ કહીને માથામાં સળીયો માર્યો હતો અને ત્યારબાદ ગળે ટૂંપો આપ્યો હતો. તેનો પુત્ર પણ આ ઘટના જોઈ જતા તેના માથામાં સળીયો માર્યો હતો.
પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ તે ધાબા ઉપર આપઘાત કરવા માટે પહોંચ્યો હતો પરંતુ કોઈ જોઈ જતા તે પરત ફર્યો હતો અને ત્યારબાદ ઘરમાં આવીને તિજોરીનો કાચ તોડી તેના વડે હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધીને હવે રિમાન્ડ દરમિયાન વધુ વિગતો મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને દેવા સંદર્ભે જણાવી રહેલી થીયરી સાચી છે કે પછી હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં તપાસ હાથ કરવામાં આવી રહી છે.