
સોનાની પિચકારીથી કેસૂડાંના જળ અને નવરંગોની છોળો વચ્ચે ભક્તો સાથે ભગવાન રંગે રમ્યાં
ડાકોર રણછોડરાયજીના મંદિરે સોમવારે કુંજ એકાદશીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. મંગળા આરતી બાદ ઠાકોરજીને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. શૃંગાર ભોગથી શયન ભોગ સુધી ઠાકોરજીને હોળીનો ખેલ ખેલવામાં આવ્યો હતો. પરંપરા મુજબ ફૂલદોડ સુધી ખેલ ઉજવવામાં આવશે.
ઠાકોરજીને સોનાની પિચકારીઓથી કેસુડાના જળ અને નવરંગોનો છડો ઉછાળીને ભક્તોને હોળી ઉત્સવનો લાભ અપાયો હતો. ઉત્થાપન આરતી પછી ગજરાજની શાહી સવારી ઉપર ચાંદીની અંબાડી બાંધીને અબીલ ગુલાલના થેલા ભરાવી, મંદિરના મુખ્યગેટ પાસેથી ગૌશાળામાં ભજન મંડળીઓ ડંકા નિશાન સાથે શાહી સવારી પર લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ઠાકોરજીને હોળી ઉત્સવ ભક્તો સાથે ઉજવવામાં આવ્યો હતો અને પછી સવારી પાછી મંદિરે પરત લાવી લક્ષ્મીજી મંદિરે લઈ જવામાં આવી હતી. રાત્રિના ૯ વાગ્યાના અરસામાં ઠાકોરજીને નિજમંદિર પરત લાવ્યા હતા. ત્યાં તેમની ઈન્ડિપિંડીથી નજર ઉતારવામાં આવી હતી.
ફાગણી પૂનમના મેળામાં ૯ લાખથી વધુ ભક્તો ઠાકોરજીના દર્શને ઊમટવાની શક્યતા.અમદાવાદ, સુરત, બરોડા, નડિયાદ, આણંદ, મુંબઈ સહિતના શહેરોમાંથી પગપાળા સંઘો ડાકોર ઠાકોરજી દર્શને આવશે. ત્યારે દર્શનાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખી ડાકોર મંદિર દ્વારા તા.૧૧થી ૧૫ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.