કડી નગરપાલિકાની ચૂંટણીમાં ટીકિટને લઈને વિવાદ વકર્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીના કાર્યકતાને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે એવું સ્પષ્ટ કહ્યુંકે, મર્યાદામાં રહેજે, ભાઈ, આ તો મણિપુરનો છોકરો સમજીને બોલતો નથી. મારી પાસે તારા નંબર સાથે એલઆઇબીનો રિપોર્ટ છે.
તારા બાપ દાદાનું મે કઈ બગાડયુ છે
એક કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાકેશ પટેલ નામના ભાજપના કાર્યકર્તાને ખખડાવી રહ્યાં છેકે તારા બાપ દાદાનું મે કઈ બગાડયુ છે. મારી પાસે તારો નંબર અને નામ સાથે એલઆઈબીનો રિપોર્ટ આવ્યો છે. આ તો હું મણિપુરનો છોકરો સમજીને બોલતો નથી. તુ તારી મર્યાદામાં રહે તો સારુ, મને શિખામણ આપવાની જરૂર નથી. નીતિન પટેલે એવી પણ ચિમકી ઉચ્ચારી કે, તે લઠ્ઠા કુંટુંબનો તો નથી ને, 30-35 વર્ષ પહેલાંનો લઠ્ઠા કુંટુંબનો ઇતિહાસ કહીશને તો તું ગામમાં રહેવા લાયક નહી રહે. એટલે બધુ બંધ કરને, માપમાં રહે ભાઈ તું કઈ કડીનો ધણી નથી. મે બધુ તને સોંપી દીધું છે? તું રુબરુ આવજે. આ આડીયો વાયરલ થયા પૂર્વ નાયબ મુખ્યમંત્રી ફરી વિવાદમાં સપડાયા છે.
અવાજ દબાવવામાં આવી રહ્યો છે
આ વિવાદને લઇને કોંગ્રેસે એવી પ્રતિક્રિયા આપી છેકે, આ ઘટના બાદ એ વાત સાબિત થઈ રહી છેકે, એલઆઇબી ભાજપના નેતાઓને ખાનગી વિગતો મોકલે છે. ભાજપના બ્લેકમેઈલ સામે જે નાગરિકો અને વેપારીઓ અવાજ ઉઠાવે તો તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. જ કોઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી એલઆઇબી પાસેથી ખાનગી વિગતો મેળવી શકતા હોય તો હાલ સરકાર પણ વિપક્ષના નેતા અને વેપારીઓના આ જ પ્રમાણે કોલ રેકર્ડ મેળવી માહિતી મેળવતા હશે એ વાત નક્કી છે.