
લોક અધિકાર ગાંધીનગર
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને છેલ્લા અમુક સમયથી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતના પણ લોકો હતા. બીજી તરફ, ગુજરાતના કલોલનો જીગ્નેશ પટેલ નામનો યુવક પોતાની ઓળખ બદલીને મુસ્લિમ બની ગયો હતો. જેમાં તે અમેરિકા જવા પાકિસ્તાની નાગરિક વસીમ ખલીલ બની ગયો હતો. જો કે, સમગ્ર મામલે અમેરિકા ખાતે ઇમિગ્રેશન વિભાગમાં ભાંડો ફૂટતાં તેને ડિપોર્ટ કરવામાં આવ્યો છે.
મળતી વિગત પ્રમાણે અમેરિકા જવાની ઘેલછામાં ગુજરાતી જીગ્નેશ પટેલ પાકિસ્તાની બની ગયો હતો. પરંતુ તેનો વેશ બદલવાનો ખેલ વધુ સમય ચાલ્યો ન હતો અને અમેરિકન અધિકારીઓ સામે પોલ ખુલી ગઈ હતી. આ પછી તેને ભારત પરત મોકલી દેવામાં આવ્યો હતો. જીગ્નેશ પટેલ પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ હતો, જેના પર વસીમ ખલીલ નામ હતું. જો કે, 12 ફેબ્રુઆરી રોજ જીજ્ઞેશ દિલ્હી ઍરપોર્ટ ડિપોર્ટ કરાયા બાદ પોલીસે તેને પકડી પાડ્યો હતો. જીગ્નેશના પકડાયા બાદ ભારતીય અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા કે, તેની પાસે એક અસલી પાકિસ્તાની પાસપોર્ટ આવ્યો ક્યાંથી. જ્યારે અસલમાં આ કોઈ વસીમ ખલીલનો ગુમ થયેલો દસ્તાવેજ હતો. પૂછપરછમાં પટેલે કબૂલ કર્યું કે, ‘હું અમેરિકા જઈ શકું તે માટે દુબઈમાં એક એજન્ટને પૈસા આપ્યા હતા અને પોતાની ઓળખ બદલી હતી.’
જીગ્નેશ મૂળ કલોલનો રહેવાસી છે. જીગ્નેશ પહેલા વસીમ ખલીલના નામે અમદાવાદથી દિલ્હી ગયો હતો. દિલ્હીમાં ગયા બાદ તે એર કેનેડાની ફ્લાઇટથી કેનેડા જતો રહ્યો હતો. કેનેડા પહોંચી ગયા બાદ જીગ્નેશ ઉર્ફ વસીમ ખલીલ અમેરિકા જતો રહ્યો હતો. અમેરિકા પહોંચતા જ ઇમિગ્રેશન વિભાગે તેનો પાસપોર્ટ ચેક કર્યો હતો. પાસપોર્ટ શંકાસ્પદ લાગતા તેનું ચેકિંગ અને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે અમેરિકન અધિકારીઓ સામે કબૂલાત કરી હતી કે, તેણે વસીમ નામનો બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો અને પછી કેનેડાથી અમેરિકા પહોંચ્યો હતો.