રિલિફ રોડ પરની એક ઓફિસમાં રાત્રે ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલે છે તેવી બાતમીના આધારે ઓનલાઇન જુગારના ધામ પર દરોડા પાડવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઇ કોમર્સ સાઇટને કરોડોનો ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી ત્રણ સાયબર ગઠિયાને ઝડપી લીધા છે. તેઓ ઓર્ડર કર્યા બાદ પેમેન્ટ ગેટવેની પ્રોસેસ વખતે ચેડાં કરી સવા લાખની વસ્તુ ત્રણ રૂપિયામાં લઇ લેતા હતા. આ ગઠિયાઓએ આવી રીતે કુલ સાત કરોડના ઓર્ડર કરી પાર્સલ મગાવી લીધા હતા. આ ગેંગે ઇ કોમર્સ સાઇટ પરથી સવા ત્રણ લાખનું લેટેસ્ટ ડ્રોન ચેડાં કરીને સવા ત્રણ રૂપિયામાં મેળવી લીધું હતું અને પેકિંગ અને બિલ સાથે ડ્રોન સવા લાખ રૂપિયામાં વેચી દીધું હતું
ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર દીપક ઢોલા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે રીલીફ રોડ પર એક ઓફિસમાં ત્રણ યુવકો ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી રહ્યા છે. અહીં દરોડો પાડીને પોલીસે વિજય વાઘેલા (અશ્વમેઘ ટેનામેન્ટ, બાપુનગર), નિતેશ મડતા (ગુજરાત હાઉસીંગ બોર્ડ,બાપુનગર) અને આદીલ પરમાર (રામીની ચાલી, રખિયાલ)ને ઝડપીને તપાસ કરતા તેમની પાસેથી ક્રિકેટ સટ્ટાને લગતા કેટલાંક લોગઇન આઇ ડી મળી આવ્યા હતા.
આરોપીઓએ બજારમાંથી ડી બગિંગ સોફ્ટવેર મેળવ્યું હતુ અને તેનો ઉપયોગ કરીને તે ઈ-કોમર્સ વેબસાઇટમાં ચેડા કરીને પ્રોડક્ટની કિંમત બદલીને 20થી 25 સેકન્ડમાં જ ઓર્ડર કરતા હતા. જેના કારણે તેમની કડી મળવી કંપનીઓ માટે અધરી બની હતી.
ડી બગિંગ સોફ્ટવેરથી એક જ્વેલરી શોપની સાઇટમાં ચેડા કરીને 5 લાખ રૂપિયાની જ્વેલરીની કિંમત શૂન્ય કરીને તમામ દાગીના બારોબાર મંગાવીને વેચી દીધા હોવાની ચોંકાવનારી કબુલાત આરોપીઓએ કરી છે.