ગુજરાતની દ્રૌપદીનું ચીરહરણ : સભ્ય સમાજના દુશાસનોએ ભેગા મળીને એક મહિલાને જાહેરમાં કરી નિર્વસ્ત્ર
દાહદોના સંજેલીમાં સમાજને શર્મસાર કરતી ઘટના…. ગામલોકોએ અર્ધનગ્ન હાલતમાં મહિલાનો વરઘોડો કાઢ્યો… બાઈક પાછળ સાંકળથી બાંધીને ગામમાં ફેરવી.. પ્રેમીને મળવા આવી હોવાના આરોપ સાથે અમાનવીય હરકત..
આજના શિક્ષિત સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દાહોદના સંજેલી તાલુકામાં પરિણીતા પર અમાનુષી અત્યાચાર કરાયો. ગામ લોકોએ મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવી હતી. એટલું જ નહિ, તેને બાઈક પાછળ સાંકળથી બાંધી વરઘોડો કાઢ્યો હતો. અન્ય મહિલાઓ અને બાળકો પણ વરઘોડામાં જોવા મળ્યા હતા. સંજેલીના ઢાલસૂમળ ગામનો વીડિયો હોવાનું અનુમાન છે. મહિલા પ્રેમીને મળવા ગઈ હોવાનો લોકોનો આરોપ તેના પર મૂકાયો છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાના ઢાલસૂમળ ગામે 35 વર્ષીય પરિણીતા મહીલા ઉપર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતા તેના પ્રેમીને મળવા ગઈ ત્યારે 15 વ્યક્તિઓ ટોળાએ તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન હાલતમાં બાઈક ઉપર બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. 15 લોકોના ટોળાએ મહિલાને અર્ધનગ્ન કરી માર મારી બાઈકના કેરીયર ઉપર બેસાડી ગામમાં ફેરવી હતી. એટલું જ નહિ, આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ નોંધી 15 જણા વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.