મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ચાલતી શારીરિક કસોટી દરમિયાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
ભેજાબાજે પોતાના મિત્રના કોલલેટરનો દુરુઉપયોગ કરીને ગુગલક્રોમમાં એડિટિંગ કરી પોતાના નામનો ખોટો કોલલેટર બનાવી પરીક્ષા આપવા ગ્રાઉન્ડ પર પોહ્ચ્યો
રાજ્યમાં હાલ સમગ્ર જિલ્લાઓમાં પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એક મહેસાણાથી ચીકાવનારો કિસ્સો સામે આવ્યો છે.મહેસાણા શહેરમાં આવેલ પોલીસ હેડ કવાર્ટરના મેદાનમાં હાલ પોલીસ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરીક કસોટી પરીક્ષામાં સીફતપૂર્વક પોલીસ ભરતી બોર્ડનો ખોટો કોલ લેટર તૈયાર કરીને પહોંચેલા કલોલનો એક ભેજાબાજ ચકાસણી દરમિયાન પકડાઈ ગયો હતો. જેમાં પોતાના મિત્રના અસલી કોલ લેટરનો દુરૂપયોગ કરી પીડીએફ એડિટિંગ એપ્લીકેશનના માધ્યમથી તેણે પોતાનું નામ લખી દઈ આબેહુબ રાજય પોલીસ ભરતી બોર્ડનો નકલી કોલલેટર બનાવી તેના આધારે પોલીસ ભરતીની શારીરીક કસોટીમાં આવ્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
મહેસાણામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની શારીરીક કસોટીની પ્રક્રિયા તા. ૫-૧-૨૦૨૫થી હાથ ધરવામાં આવેલ છે. નિત્યક્રમ મુજબ બુધવારના રોજ સવારે પોલીસ ભરતીની કામગીરીમાં રોકાયેલા પોલીસ સ્ટાફ પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હતા. તે વખતે ઉમેદવારોની બેચ નંબર પાંચનો એક ઉમેદવારને ચેસ્ટ નંબર ૦૯૩૩ પહેરાવીને રજિસ્ટ્રેશન માટે મોકલવામાં આવ્યો હતો. જયાં આ ઉમેદવારનું અગાઉ રજીસ્ટ્રેશન થઈ ચુક્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી તેના કોલલેટરમાં જોતા તેમાં ઉમેદવારનું નામ દીપકુમાર દિનેશભાઈ પરમાર રહે,સાંઈકૃપા સોસાયટી, કલોલ તેમજ કન્ફોર્મેશન નં-૬૨૮૯૦૮૩૨ તથા બેઠક ક્રમાક નં-૧૦૩૬૨૦૨૦ હોવાનું તેમજ શારીરીક કસોટી માટે તેને ૨૨ જાન્યુઆરીના રોજ સવારે ૭ વાગે હાજર રહેવાનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારબાદ,આ અંગે ટાઈમીંગ ટેકનોલોજીના મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડના ઈન્ચાર્જ પાસે કોલલેટરની ચકાસણી કરવામાં આવતાં તેની ઉપર આજરોજ ચેસ્ટ નં-૦૫૫૭થી રજિસ્ટ્રેશન થયું હતું. તે ઉમેદવારનું નામ ચિરાગકુમાર ધુળાજી ઠાકોર હોવાનું તેમજ તેણે શારીરીક પરીક્ષા આપતાં નાપાસ થયો હોવાનું સામે આવ્યું હતું.જેની ખરાઈ પોલીસ ભરતી બોર્ડમાં કરાવવામાં આવતાં આ હકિકતને વેગ મળ્યો હતો.
જયારે દીપ પરમારે રજૂ કરેલા કોલ લેટર ડુપ્લીકેટ હોવાનું સામે આવતા ફરજ પરના પોલીસ અધિકારીએ ચિરાગ ઠાકોર અને દીપ પરમારની પુછપરછ શરૂ કરી હતી. જેમાં બન્ને મિત્રો હોવાથી ચિરાગે પોતાનો અસલી કોલલેટરની પીડીએફ ફાઈલ તા.૯-૧-૨૦૨૫ના રોજ દીપે માંગતા વોટસએપ મારફત મોકલી હતી. તે પછી ભેજાબાજ દીપે તેના મોબાઈલમાં ગુગલ ક્રોમમાં જઈને પીડીએફ એડિટિંગ કરી આ કોલલેટર ઉપર તેનું નામ લખી બનાવટી કોલલેટર બનાવી તેની પ્રીન્ટ કાઢી હોવાની કહ્યું હતું.મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બનાવટી કોલ લેટર સાથે પોલીસ ભરતીની શારીરીક પરીક્ષા આપવા પહોંચેલ કલોલના ભેજાબાજ દીપ પરમાર સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી.