સુરતથી સમાજને આંગળી ચીંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા ખાડી કિનારેથી અઠવાડિયા પહેલા મળી આવેલા મૃત નવજાતને ધો. 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાની ઉંમરના પ્રેમી સાથેના શારિરીક સંબંધ થકી ગર્ભ રહેતાં ગર્ભપાતની ગોળી પીધા બાદ ત્યજી દીધાની ચોંકાવનારી હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે. પોલીસે વિદ્યાર્થીનીના પ્રેમીને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરા-કૈલાશનગર ચોકડી સ્થિત અપેક્ષા નગર નજીક ખાડી કિનારેથી અઠવાડિયા અગાઉ મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. માથા અને શરીરના ભાગે ઈજાથી મૃત્યુ પામનાર નવજાતને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની હાથ ધરેલી શોધખોળ અંતર્ગત પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે સ્થાનિક વિસ્તારમાં રહેતી હિના(નામ બદલ્યું છે)નું ગત દિવસોમાં પેટ મોટું હતું અને હાલમાં સામાન્ય છે. જેથી પોલીસે ડાઇંગ મીલમાં નોકરી કરતાં બિહારી પરિવારના ઘરે પહોંચી હતી. જ્યાં હિનાની પૂછપરછની સાથે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જેમાં હિનાની નજીકના દિવસોમાં ડિલિવરી થઈ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.