અગાઉના ઝઘડાની અદાવત રાખીને સેક્ટર-૨૪ અને આદીવાડાના શખ્સોએ સાળા બનેવીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩ પાસે ભેળ પકોડીની લારી ચલાવતા યુવાન ઉપર પોલીસ કેસ પાછો ખેંચવાની ધમકી આપીને બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને સાળાને બચાવવા વચ્ચે પડેલા બનાવીને પણ માર માર્યો હતો. જેથી આ મામલે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને સેક્ટર ૨૩ કોર્નર પાસે ભેળ પકોડીની લારી ચલાવતા ભરતભાઈ કાળુભાઈ તેલીએ સેક-૨૧માં ફરિયાદ નોંધાવી હતી કે ૪ જાન્યુઆરીના રોજ તે લારી પર હતો તે વખતે સેક્ટર ૨૪માં રહેતો રાજ ઉર્ફે બોડિયો લાલભાઈ પ્રજાપતિ તેની પાસે આવ્યો હતો અને અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધાક-ધમકી આપી હતી.ફરીથી ગઈકાલે રાજ ઉર્ફે બોડિયો અને આદીવાડામાં રહેતો ક્રિષ્ના માગીલાલ તેની લારી ઉપર આવ્યા હતા અને કેસ પાછો ખેંચી લેવાની ધાક ધમકી આપીને ધોકાઓથી માર માર્યો હતો. આ દરમિયાન બાજુમાં જ લારી ચલાવતા તેના બનેવી ચુનીલાલ હકમીચંદ તેલી સાળાને બચાવવા માટે વચ્ચે પડતા ચારે આરોપીઓ દ્વારા તેમની ઉપર પણ ધોકાથી હુમલો કર્યો આવ્યો હતો. આ મારા મારીને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જતા જતા આ શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની ફરિયાદના આધારે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ચારે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.