લોક અધિકાર , અમદાવાદ
અમદાવાદના પોશ વિસ્તારમાં નબીરાઓ મોઘીદાટ બાઇક અને કાર વચ્ચે રેસ કરે છે. જ્યારે અન્ય વિસ્તારમાં ઝડપથી ફેમશ થવા અથવા સોશિયલ મીડિયા પર વધુ લાઇક મેળવવા યુવકો -સગીરો જોખમી સ્ટંટ કરે છે. આ તમામ બાબતોમાં સામાન્ય રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. આવું જ ત્રણ સગીરોએ ચાંદખેડામાં કર્યું. એક્ટિવા પર ત્રણ ટીનેજર ફરવા નીકળ્યા જ્યાં એક સગીર એક્ટિવા હંકારતો હતો, બીજો પાછળ બેઠો હતો અને ત્રીજો પાછળ બેઠેલા સગીરના પગ પર બેઠો હતો. હવે ત્રણેય સગીર એક્ટિવા પર ડાન્સ કરતા હતા. આ ત્રણે સગીરે પોતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર હમ હૈ ભોજપુરીયા ડોનના ગીત સાથે વાયરલ કર્યો હતો. આખરે ચાંદખેડા પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજ સોલંકી અને PSI વી.જી.ડાભીની ટીમે ત્રણ પૈકી બે સગીરને શોધી કાઢી ટ્રાફિક પોલીસને સોંપતાં ટ્રાફિક પોલીસે વધુ તપાસ આદરી છે.
દર વખતની માફક ચાંદખેડામાં એક્ટિવા પર સ્ટંટ કરતા સગીરના વીડિયો વાયરલ થયા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ તેમાં ભોજપુરી ડોનના સોંગ પણ ઉમેરવામાં આવ્યું હતું અને આ વીડિયો વાયરલ થયા બાદ વીડિયો જ્યારે પોલીસ સામે આવ્યો ત્યારે તેમાં દેખાતા દશ્યો પ્રમાણે ખરેખર લોકોના જીવ જોખમાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વીડિયો પોલીસના ધ્યાનમાં આવતાં એલ ટ્રાફિક પોલીસની ટીમ અને ચાંદખેડા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. ચાંદખેડા પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકી અને સબ ઇન્સ્પેક્ટર ડાભીએ તપાસ કરતાં ચાંદખેડા ઓએનજીસી સર્કલથી જનતાનગર તરફ જતા રોડ પર આ સ્ટંટ કરવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવતાં તે વિસ્તારમાં તપાસ કરતાં આ સ્ટંટ કરના ત્રણ સગીર હોવાનું જાણી શકાયું હતું. જેના આધારે પોલીસે બે સગીરની અટકાયત કરી છે તેમજ આ વીડિયો અને સ્ટંટ તેમના હોવાની ખરાઈ થયા બાદ તેમની સામે કાયદાના સંઘર્ષમાં આવ્યા બાદ સગીર સામે થતી કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સગીરને એક્ટિવા આપનાર વાલી સામે પણ પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવશે.