રાજકોટ જેલમાંથી રાધેશ્યામને અમદાવાદ ભદ્ર કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે રજૂ કરવામાં આવ્યો હતો
પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી જવાના બનાવે દોર પકડી છે , તાજેતરમાં આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભદ્ર કોર્ટમાંથી ભાગી થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે,બળાત્કારના આરોપીને રાજકોટ જેલમાંથી પોલીસ જાપ્તા સાથે ભદ્ર કોર્ટમાં લવાયો હતો. આ દરમિયાન ભદ્ર નજીકની ભીડમાં પોલીસ જાપ્તાના કર્મચારીને હાથતાળી આપીને રીઢો ગુનેગારો રાધેશ્યામ પલાયન થઇ ગયો હતો. આ બાબતે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા લતીફનો ખાસ કહેવાતો શરીફખાન પોલીસ જાપ્તામાંથી ભાગીને પાકિસ્તાન પહોંચી ગયો હતો. થોડા સમય પહેલા રીઢો ગુનેગાર મોન્ટુ ઇનામદાર પણ ભાગી ગયો હતો. ખોખરા પોલીસ આરોપીને તપાસ માટે કાલુપુર લઇ આવી હતી ત્યારે ગુનેગાર સબ ઇન્સ્પેક્ટરને ધક્કો મારીને ભાગી ગયો હતો. આવી રીતે ગુનેગારો ફરાર થવાની ઘટના હંમેશા શંકાસ્પદ જ રહેતી હોય છે. આ પ્રકરણની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
નરોડામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં રાધેશ્યામ ઉર્ફે ગોપાલ ઉર્ફે કુલદીપ રાજદેવને સજા થતાં રાજકોટ જેલમાં રવાના કરવામાં આવ્યો હતો. હવે તેને અમદાવાદની ભદ્ર સ્થિત સિટી સેશન્સ કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરના હેડ કોન્સ્ટેબલ ધનજીભાઇ, એક કોન્સ્ટેબલ ભવુભા અને આઉટ સોર્સના ડ્રાઇવર સાથે રાધેશ્યામને લઇને અમદાવાદ પહોંચ્યા હતા. રાધેશ્યામને કોર્ટમાં રજૂ કરતાં તેની હાથકડી કાઢવામાં આવી હતી. કોર્ટની પ્રક્રિયામાં વધુ સુનાવણી તા. 23મી રાખવામાં આવી હતી. કોર્ટમાં રજૂઆત બાદ તેને ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવામાં આવ્યો હતો. જ્યાં ધનજીભાઇ અને ભવુભાએ તેને ગાડીમાં બેસી જવા કહ્યું હતું પરંતુ કોર્ટની ભીડનો લાભ લઇને રીઢો ગુનેગાર રાધેશ્યામ ગુમ થઇ ગયો હતો. આ અંગે તરત જ પોલીસે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં અને રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં જાણ કરી હતી. રાધેશ્યામને શોધવાની દોડધામ પણ કરી હતી. જો કે તેની કોઇ ભાળ ન મળતાં કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કારંજ પોલીસે પણ તરત જ ફરિયાદ નોંધીને રાધેશ્યામને શોધવા માટે કવાયત શરૂ કરી દીધી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરીને તેની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.