લોક અધિકાર, અમદાવાદ
આનંદનગર પોલીસ સ્ટેશનની શી ટીમમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીની ટીમ કેમેરા અને મહિલા ઇમરજન્સી બોક્સની ચકાસણી કરવા સ્ટાફ સાથે નીકળ્યા હતા.ત્યારે ઇકો ગાડીમાં સવાર ચાર લોકોએ શી ટીમની ગાડીને વારંવાર હોર્ન મારીને પોલીસની ગાડી ઊભી રખાવી હતી. આ શખ્સોએ ‘તેરે બાપ કા રોડ હૈ, સાઈડ ક્યુ નહીં દેતી…ગાડી નહિ આતી તો ક્યું લેકે નીકલી હૈ’ તેવું કહીને મહિલા પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડી હતી. મહિલા પોલીસે આનંદનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. ચાર શખ્સોને કાયદાના પાઠ ભણાવીને ધરપકડ કરી છે.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ કેમેરા અને ઇમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ કાર્યરત છે કે નહીં તેની ચકાસણી માટે આનંદનગર પોલીસની શી ટીમ પોલીસસ્ટેશનના વિસ્તારમાં ચકાસણી કરવા નીકળી હતી. મહિલા પોલીસ કર્મચારી વર્ષાબેન તેમની ટીમ સાથે કેમેરા અને ઇમરજન્સી બોક્સની ચકાસણી કરીને મકરબા પહોંચ્યા ત્યારે બપોરે મકરબા ફાટક પાસે એક ઇકો કારનો ચાલક જોરજોરથી હોર્ન મારતો હતો. કારચાલકે સાઇડ કાપવાની કોશિશ કરતા મહિલા પોલીસે રસ્તો આપી દેતા ચાલકે આગળ આવીને ગાડી ઊભી રાખી હતી. દરમિયાનમાં મહિલા પોલીસે કારનો કાચ ખોલ્યો ત્યારે ઇકોના ચાલકે કહ્યું હતું કે, ‘તેરે બાપ કા રોડ હૈ, સાઇડ ક્યુ નહીં દેતી, ગાડી નહીં આતી હે તો ક્યુ રોડ પે લેકે નીકલી હે’.એમ કહી ગાળો ભાંડી હતી.
ઇકો કાર ચાલકની સાથે બેઠેલા બીજા લોકોએ પણ મહિલા પોલીસ સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યા હતા. ઇકો કારમાં સવાર લોકોએ પોલીસની ગાડીને આંતરીને ઊભી રખાવી હતી. બાદમાં ચાર શખ્સો ઉશ્કેરાઇને બેફામ ગાળો બોલવા લાગ્યા હતા. વર્ષાબેને તાત્કાલિક કંટ્રોલરૂમમાં ફોન કરીને વધુ પોલીસ બોલાવી હતી. આનંદનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચતા માથાકૂટ કરતા ચારેય શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે બે સગાભાઇ અભિષેક યાદવ અને અર્જુન યાદવ તથા સંદીપ સેન અને સુનિલ યાદવની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. ચારેય શખ્સો બનાવ સ્થળની નજીક આવેલા કૃષ્ણધામ ઔડાના મકાન અને શ્રીનંદનગરમાં રહે છે.