Breaking
Sun. Jan 19th, 2025

વૃધ્ધોને ટાર્ગેટ કરી ચોરી કરતી ત્રિપુટી પકડાઈ ગઈ, નવ ગુનાનો ભેદ ઉકેલાયો

Spread the love

સલમાન ખાન રિક્ષા ચલાવતો, આશા અને વિક્રમ વડીલ મુસાફરોના દાગીના કાઢી લેતા – રિક્ષાની નંબર પ્લેટ કાઢીને સવારે સિનિયર સિટીઝનને રિક્ષામાં બેસાડીને ચોરીને અંજામ આપતા

લોક અધિકાર, અમદાવાદ

બે મહિનાથી અમદાવાદમાં સવારના સુમારે રિક્ષાની રાહ જોઇ રહેલા વડીલો જ્યારે રિક્ષામાં પોતાના જવાને સ્થાને પહોંચે ત્યારે તેમના દાગીના કે વસ્તુ ચોરાઇ જતી હોવાની ફરિયાદો વધી ગઈ હતી. તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ બાબતેને ગંભીરતાથી લઇને માત્ર વડીલોને ટાર્ગેટ કરતી એક મહિલા સહિતની ત્રિપુટીને ઝડપી લીધી છે. આ ત્રિપુટી રિક્ષાની નંબર પ્લેટ કાઢીને સવારે જ માત્ર સિનિયર સિટીઝનને રિક્ષામાં બેસાડતી અને તેમના દાગીના ચોરી લેતી હતી. વડીલોને વિશ્વાસ બેસે માટે પાછળની સીટમાં એક મહિલા અને પુરુષ મુસાફર સ્વાંગમાં જ બેઠા હોય. વડીલ રિક્ષામાં બેસે કે મહિલા કારીગરી કરી લેતી. ક્રાઇમ બ્રાંચે આ ત્રિપુટીને ઝડપીને કુલ 9 ગુનાના ભેદ ઉકેલ્યા છે.

સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ગેંગની ફરિયાદોને ધ્યાને લઇને ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર જે.કે. મકવાણાની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ચોક્કસ રિક્ષામાં જ આવી ઘટના બનતી હોવાનું જણાતા પોલીસે તલાશ તેજ કરી હતી. પોલીસે અનેક સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગોલી આ રિક્ષા ગીતામંદિર, મજૂર ગામ પાસેથી ઝડપી લીધી હતી. પોલીસે રિક્ષામાંથી સલમાનખાન, આશા અને વિક્રમને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે સોનાના દાગીના પણ કબજે લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં આ ત્રિપુટીએ એવી કબૂલાત કરી હતી કે તેઓ મહેમદાવાદથી રિક્ષા લઇને વહેલી સવારે અમદાવાદ આવી જતા હતા. ઓછી અવરજવરવાળા વિસ્તારમાં તેઓ સવારે એકલ-દોકલ સિનિયર સિટીઝન મુસાફરને રિક્ષામાં બેસાડતા હતા. તેમને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચડતી વખતે પાછળની સીટમાં બેસેલા વિક્રમ અને આશા પૈકી આશા વડીલોના દાગીના કટરથી કાપી લેતી અથવા તેમની બેગમાંથી ચોરી કરી લેતી હતી. ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે આ ત્રિપુટીની પૂછપરછમાં 9 ગુનાના ભેદ ઉકેલાયા છે. અગાઉ પણ તેઓ જુદા જુદા ગુનામાં પોલીસના હાથે ઝડપાયા છે.

કોણ કોણ ઝડપાયું

1) સલમાનખાન ઉર્ફે સલ્લુ કયુમખાન પઠાણ (ઉવ. 23, રહે. મહેમદાવાદ, ખેડા)

2) વિક્રમ ચિમનભાઇ દંતાણી (ફાંટા તળાવ, મહેમદાવાદ, ખેડા)

3) આશાબેન ઉર્ફે જાનુ ચંદુભાઇ દેવીપૂજક (મહેમદાવાદ, ખેડા)

શું રિકવર કરવામાં આવ્યું

1) સોનાની બંગડી 9, સોનાની ચેઇન 1 (કિંમત રૂ. 8.14 લાખ)

2) ઓટોરિક્ષા અને દાગીના કાપવા માટે વપરાતું લોખંડનું કટર

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *