રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નકલીની ભરમાર ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાંથી વધુ એક નકલી પીએસઆઇ તેમજ ડેપ્યુટી મામલતદાર ઝડપાયો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના કારણે અધિકારી બનીને ફરતો આરોપી ઝડપાઇ ગયો છે. આરોપી પાસેથી પોલીસના બે નકલી આઇકાર્ડ તેમજ એક ડેપ્યુટી મામલતદારનું આઇકાર્ડ ખિસ્સામાંથી મળી આવ્યા હતા.આરોપીની પૂછપરછ કરતા તે લોકો પર રૌફ મારવા માટે નકલી અધિકારી બન્યો હોવાની કબુલાત કરી હતી. આ સાથે જ પરિવહન દરમિયાન ટોલટેક્ષ ન ભરવા માટે ડે. મામલતદારના આઈકાર્ડનો ઉપયોગ કરતો હતો.આ ઉપરાંત તે વીવીઆઈપી સેવાઓ લેવા અંતે આઈડીકાર્ડનો ઉપયોગ કરતો સાથે હોટલોમાં રોફ મારી મફત રોકાણ કરતો હતો.
મળતી માહિતી અનુઅસાર મણીનગર પોલીસને બાતમી મળી હતી કે કિરીટ અમીન નામનો શખ્સ મણીનગર વિસ્તારમાં પોલીસની ઓળક આપીને ફરી રહ્યો છે અને હોટલોમાં પણ મફતમાં રોકાય છે. કિરીટ પોતાનું એક્ટિવા લઇને મણીનગર રેલવે સ્ટેશનથી કાંકરીયા તરફ પસાર થવાનો છે. મણીનગર પોલીસે વોચ ગોઠવીને ઉભા હતા ત્યારે મણીનગર રેલવે સ્ટેશનથી એક એક્ટિવા ચાલક પસાર થયો હતો. પોલીસે શંકાના આધારે એક્ટિવા ચાલકને અટકાવીને તેની પૂછપરછ કરી હતી.
મણીનગર પોલીસે કિરીટની જ્યારે અટકાયત કરીને આઇકાર્ડ મામલે પૂછપરછ કરી ત્યારે તેણે કોઇ સંતોષ કારક જવાબ આપ્યો ન હતો , જેના કારણે પોલીસ કર્મચારીએ તેમની પાસે રહેલી પોકેટ કોપ એપલીકેશનની મદદ લઇ. એપ્લીકેશનમાં કિરીટની માહિતી સર્ચ કરતાની સાથેજ તેનો ભાંડો ફુટી ગયો હતો. કિરીટ અગાઉ પણ નકલી પોલીસ બનીને રૌફ મારવાના કેસમાં પકડાઈ ચુક્યો છે. પોલીસે કિરીટની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.