સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ નજીક મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ લાગતા જ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, સમય રહેતા તમામ મુસાફરો બહાર ઉતરી જતા મોટી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળે પહોચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજનાં કતપુર ટોલ પ્લાઝા પાસે સુરત થી ઉદયપુર જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં અત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો જ્યારે બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જો કે, સમય રહેતા તમામ મુસાફરો બસમાંથી ઉતરી જતાં જાનહાનિ ટળી હતી. પરંતુ, આગની જ્વાળાઓમાં બસ બળીને ખાખ થઈ છે.
આ ગોઝારી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને ટ્રાફિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી.મળતી વિગત અનુસાર, ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. પોલીસ તપાસ અનુસાર, ડેસ્ટિનેશન વેડિંગ માટે મહેમાનોને લઈ બસ સુરત જઈ રહી હતી. અંદાજે 36 મુસાફરો બસમાં સવાર હતા. બસમાં મહેમાનોનાં કિંમતી કપડાં અને ઘરેણાં સહિતનો સામાન બળીને ખાખ થયો છે. બસમાં આગ કયાં કારણોસર લાગી તે અંગેની માહિતી હાલ સામે આવી નથી. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે