અમદાવાદ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં 250 સીસીટીવી ચકાસી બે આરોપીને દબોચી લીધા
વસ્ત્રાપુરમાં ત્રિલોક એપાર્ટમેન્ટમાં રહેતો એક પરિવાર પાલીતાણા દર્શન કરવા ગયો ત્યારે તેમના ઘરને તસ્કરોએ નિશાન બનાવીને 11 તોલા સોનાના દાગીના, 5.50 લાખ રોકડા તથા ચાંદીના દાગીના મળી કુલ રૂ. 8.13 લાખની મતા ચોરી કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ જોતા ચોર ગીતામંદિર થઇને રાજસ્થાનની બસમાં બેસીને નાસી ગયો હોવાનું જણાયું હતું. પોલીસે રાજસ્થાન જઇને તપાસ કરતા આરોપી મધ્ય પ્રદેશ નાસી ગયો હતો. વસ્ત્રાપુર પોલીસે અમદાવાદ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કુલ 250 સીસીટીવીનું સર્વેલન્સ કરીને ચોરને ઝડપી લીધો હતો. પૂછપરછ બાદ ચોરીનો મુદ્દામાલ સગેવગે કરનાર અન્ય આરોપી સહિત બે આરોપીઓને પોલીસે ઝડપી લઇ 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વસ્ત્રાપુરમાં ભાસ્કર પંડ્યા હોલ નજીક ત્રિલોક એપાર્ટમેન્ટમાં રહેતા કિરણભાઇ શાહ ગત તા.21મીએ પરિવારજનો સાથે પાલીતાણા દર્શન કરવા ગયા હતા. પાડોશી વેદાંતભાઇ જાનીએ ફોન કરીને ચોરી થયાની જાણ કરતા કિરણભાઇ પાલીતાણાથી પરત ફર્યા હતા. કિરણભાઇએ જોયું તો તેમના ઘરમાંથી તસ્કરો 5.50 લાખ રોકડા, 11 તોલા સોનાના દાગીના તથા ચાંદીના દાગીના મળીને કુલ 8.13 લાખની મતા ચોરી ગયા હતા. આ મામલે વસ્ત્રાપુરના પીઆઇ એલ. એલ. ચાવડાની ટીમે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં એક શખ્સ દેખાતા પોલીસે તેને ટ્રેક કર્યો હતો. ટ્રેક કરતા કરતા પોલીસ ગીતામંદિર પહોંચી હતી. જ્યાં શ્રીનાકોડા ટ્રાવેલ્સમાં ચોર દેખાયો હતો. તપાસ કરતા ચોર ઉદયપુર ગયો હોવાનું સામે આવતા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે ઉદયપુર પહોંચીને તપાસ કરતા આરોપી શ્રીનાથ ટ્રાવેલ્સની ઓફિસમાંથી મધ્ય પ્રદેશના ગ્વાલિયરની ટિકિટ કરાવી હોવાનું જણાતા ટીમો ત્યાં રવાના થઇ હતી. જે ટિકિટમાં આરોપીએ આપેલા ફોનનંબરને પોલીસે લોકેશન થી ટ્રેસ કરીને હજીરામાંથી સુનિલ ઉર્ફે અશોક ઉર્ફે આનંદ ઉર્ફે આશુ શર્માની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા તેણે ચોરી કરેલા દાગીના સની ઉર્ફે લકી જૈનને સગેવગે કરવા આપ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. સિનિયર પીઆઇ એલ. એલ. ચાવડાએ જણાવ્યું કે એક આરોપી બંધ ઘરની રેકી કરીને ચોરીને અંજામ આપતો હતો અને બીજો આરોપી ચોરીનો મુદ્દામાલ સગેવગે કરતો હતો. આરોપીઓ પાસેથી 2.90 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે.