રાજકોટ ગેમઝોનની બનેલી ઘટના બાદ તાજેતરમાં જ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી છુટ્ટી આપવામાં આવી છે. આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી સખ્ત આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે વડોદરામાં રોયલ મેળાની ચાલું હેલિકોપ્ટર રાઇડમાંથી બાળક નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હોવાની સમાચાર સામે આવી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં પહોંચી ગયેલી પોલીસ અધિકારીઓએ તાત્કાલિક અસરથી રાઇડ બંધ કરાવી હતી. તેની સાથે મેળામાં આવેલા તમામ લોકોને રિફંડ પણ આપવાનો આદેશ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સંચાલકોની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પગલાં ભરવામાં આવ્યા હતા.
વડોદરાના વિશ્વામિત્રી અવધૂત ફાટક સામે રાજમહેલ પરિસરમાં રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં બાળકો માટે અનેક રાઇડની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી મોટી સંખ્યામાં શહેરીજનો આ સ્થળની મુલાકાત લઇ રહ્યાં છે. તેવામાં સાંજના સમયે બાળકોને હેલિકોપ્ટર રાઇડમાં બેસાડી માતા-પિતા આનંદ અનુભવી રહ્યાં હતા. તેવામાં અચાનક હેલિકોપ્ટર રાઇડના બે દરવાજા ખુલી જતા બે માસૂમ બાળકો નીચે પટકાયા હોવાનુ સ્થળ પર હાજર વ્યક્તિએ કહ્યું હતું.
આ ઘટનાને નજરે જોનારે વ્યક્તિએ જણાવ્યું કે, હું સ્થળ પર હાજર હતો ત્યારે અચાનક ચાલુ રાઇડમાં દરવાજો ખુલી ગયો અને લોકો બાળકોને બચાવવા બુમા બુમ અને દોડા-દોડ કરી રહ્યાં હતા, તેવામાં સ્થળ પર હાજર એક ફાયરમેન જે તેના બાળકને લઇને મેળામાં આવ્યાં હતા તેમણે સમયસુચક્તા વાપરી પ્લગ કાઢી નાખ્યો અને રાઇડ ધીમી પડી હતી. પરંતુ બાળકો ગભરાઇને નીચે પડતા બે બાળકોને નાની મોટી ઇજાઓ થઇ હતી.
જ્યારે પોતાની દિકરીને લઇને મેળામાં આવેલા અશોકભાઇએ જણાવ્યું કે, હું સ્થળ પર હાજર હતો ત્યારે અચાનક રાઇડની સ્પીડ વધી ગઇ અને તેને રોકવું અશક્ય હતુ. જાણે રાઇડના મશીમાં કોઇ ખામી સર્જાઈ હોય તેવું લાગ્યું હતું. સ્પીડ એકા એક વધતા ચાલુ રાઇડમાં દરવાજા ખુલી ગયા અને બેથી ત્રણ બાળકો બહાર લટકી પડ્યા હતા. લોકોએ બાળકોને બચાવવા બુમા બુમા કરી અને ઓપરેટર ત્યાંથી નાશી ગયો,
આ દરમિયાન એક ભાઇ જે ફાયર બ્રિગેડમાં કામ કરે છે એ પણ પોતાની દિકરીને લઇને ત્યાં આવ્યા હતા. એ ભાઇએ વાયરો કાઢી નાખતા રાઇડ થોડી ધીમી પડી અને લોકોએ હાથથી રાઇડ રોકવા માટે પ્રયાસો કર્યા હતા. જેમાં એક ભાઇના હાથમાં પણ ઇજા થઇ પોચી હતી. આ ઘટનામાં બેથી ત્રણ બાળકોને ઇજા પહોંચી હતી.
રાજકોટના ટીઆરપી ગેમઝોનની હચમચાવતી ઘટના બાદ રાજ્યના તમામ બાળ મેળા, ગેમઝોન તથા બાળકોની રમતને લાગતી તમામ જગ્યાઓ બંધ કરી દેવા સરકારે આદેશ કર્યા હતા. જ્યાં સુરક્ષા અને સલમાતીના પુરતા સાધનો તેમજ તંત્ર દ્વારા સ્થળનું ચેકિંગ સહિત અને સખ્ત ગાઇડ લાઇન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. પરંતુ વડોદરામાં બનેલી આ ઘટના સ્પષ્ટ દેખાઈ આવે સે હજી પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે અને બાળકોના જીવ સાથે હજી પણ રમત રમાઇ રહીં છે.