અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીંના શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસમાં એક ચકચારી ઘટના બની છે. એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પાર્સલ લઈ આવનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં અને સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગૌરવ ગઢવી નામના વ્યક્તિ દ્વારા એક પાર્સલ બળદેવભાઈ સુખડિયાને પાર્સલ આપવામાં આવ્યું હતું, ત્યારે અચાનક જ પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતા પાર્સલ લઈ આવનાર ગૌરવ ગઢવી અને બળદેવ સુખડિયા બંને લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે પોલીસનું માનવું છે કે બહારથી કોઈ ઈસમ દ્વારા રીમોટ વડે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શનિવારની વહેલી સવારે શિવમ રો હાઉસમાં રહેતા બળદેવભાઈ સુખડિયાને ઘરે ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ જે કાર વોશિંગ સેન્ટરમાં કાર વોશિંગનું કામ કરે છે, તે કોઈ એક અન્ય વ્યક્તિ સાથે એક પાર્સલ લઈને આવ્યો હતો. ત્યારે ગૌરવ અંદર પાર્સલ આપવા જતાં ત્યારે અચાનક જ પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થઈ હતીે. અને બંને લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે બ્લાસ્ટમાં IED નો ઉપયોગ કરાયાની પોલીસને આશંકા છે.
આ મામલે બળદેવભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે, આરોપી રૂપેણ બારોટના છુટાછેડા થઈ ગયા છે અને તેની પત્ની તેમને ભાઈ માને છે. આરોપીનું માનવું છે કે, બંનેના છૂટાછેડા થયા હતા તેમના કારણે થયા છે. તેમ માની અને અદાવત રાખીને રૂપેણ બારોટ દ્વારા ગૌરવ ગઢવીને પાર્સલ લઇ મોકલવામાં આવ્યો હતો અને તે પાર્સલ બ્લાસ્ટ થયું હતું.
પોલીસને આશંકા છે કે બ્લાસ્ટ માટે IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં કથિત રીતે જ્વલનશીલ પદાર્થો જેવા કે સ્પિરિટ, બેટરી અને ગન પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલ વધુ તપાસ માટે અને બ્લાસ્ટ કેવી રીતે થયો હતો તેની માહિતી મેળવવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે તે જાણવા માટે ઘટના સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે.
અમદાવાદ સેક્ટર-1ના JCP નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, “આ બ્લાસ્ટ પારિવારિક વિવાદને લગતા અંગત કારણોસર કરાયો હોવાનું જણાવા મળી રહ્યું છે. અમે પાર્સલ પહોંચાડનાર ગૌરવ ગઢવીની ધરપકડ કરી છે અને કાવતરામાં સામેલ અન્ય વ્યક્તિઓને શોધી રહ્યા છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે”સમગ્ર મામલે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે, અને તપાસ ચાલી રહી છે. બીજા સાથીદારનું ઠેકાણું શોધવા અને હુમલામાં વપરાયેલ IED વિશે વધુ વિગતો મેળવવા માટે પોલીસ પૂછપરછ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂપેણના ઘરે જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ત્યાંથી બોમ્બ બનાવવાની સામગ્રી સહિત ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા. હાલ આરોપી રૂપેણ બારોટની શોધખોળ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.