આરોપીએ અકસ્માત સર્જ્યા બાદ લાઇસન્સ કઢાવ્યું, કોર્ટે બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું.
ઓઢવમાં લાઇસન્સ વગર બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જી વૃદ્ધનો જીવ લેનારા આરોપીને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સંદીપસિંહ જી. ડોડિયાએ 15 મહિના કેદની સજા સંભળાવી છે. કોર્ટે ભોગ બનેલાના પરિવારને 5 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ પણ કર્યો છે. આરોપીએ અકસ્માત સર્જ્યા બાદ કઢાવેલું લાઈસન્સ કોર્ટે બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું છે. આરોપીએ કોર્ટમાં લાઇસન્સ જમા કરાવ્યા બાદ જ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. આરોપીને સજા ફટકારતા ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, ગંભીર પ્રકારનો ગુનો છે, ત્યારે આરપી સામે કેસ બનતો હોવાથી સજા કરવી ઉચિત જણાય છે.
ઓઢવ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય રામગોપાલભાઇ કહાર 22 ઓગસ્ટ 2020ના રોજ તેમના વિસ્તારમાંથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે ત્યાં એક સ્કોડા ગાડી આવી હતી અને પૂરઝડપે બેફામ રીતે ચલાવી રામગોપાલભાઇને અડફેટે લીધા હતા. આ ઘટનામાં તેમનો જીવ ગુમાવ્યો હતો. આ અંગે મૃતકના પુત્ર લક્ષ્મીનારાયાણ કહારે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે લાઈસન્સ વગર ગાડી હંકારનાર 20 વર્ષીય હર્ષ બળદેવભાઇ પંચાલને ઝડપી લીધો હતો. પોલીસે તેની સામે તપાસ કરી ચાર્જશીટ કરી હતી.
આ કેસ મેટ્રો કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલ કે.એસ. ચૌધરીએ પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સામે આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, આરોપી પાસે લાઇસન્સ ન હોવા છતાં બેફામ રીતે ગાડી હંકારી નિર્દોષનો જીવ લીધો છે, આવા કિસ્સા સમાજમાં વધી રહ્યાં છે, ત્યારે આવા આરોપીઓમાં કાયદાનો ડર કાયમ રહે અને સમાજમાં દાખલો બેસે તે મુદ્દાને ધ્યાને રાખી આરોપીને સજા કરવી જરૂરી છે. જ્યારે આરોપી તરફે ઓછી સજા કરવા માટે દલીલ કરવામાં આવી હતી. બન્ને પક્ષની દલીલો બાદ કોર્ટે આરોપીને 15 મહિના કેદની સજા ફટકારી છે.