ગાંધીનગરના ઉવારસદ ખાતે પ્રમુખ એરિસ્ટા ફ્લેટમાં પોલીસ ત્રાટકી
ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડ કરતી ટોળકીઓની જેમ કેસિનો-સટ્ટાના ઓપરેટરોએ પણ બેંક ખાતા ભાડે લેવાનું શરૂ કર્યું છે. સાયબર ફ્રોડમાં પીડિતોના નાણાં ભાડાના બેંક ખાતાઓ મારફતે વિદેશમાં સગેવગે કરી દેવાય છે.ત્યારે ગાંધીનગરમાં ભાડાનું મકાન રાખીને ભાડે લીધેલા બેંક ખાતામાં ઓનલાઈન કેસિનો- વિવિધ મેચ પર સટ્ટો રમાડતી ગેંગના ચાર સાગરિત પોલીસે ઝડપી પડ્યા છે.
અમદાવાદ પોલીસની બાજ નજરથી બચવા ગાંધીનગરમાં મકાનો ભાડે રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતી ટોળકીઓ સક્રિય થઈ હોવાની આશંકાના પગલે રેન્જ આઈજી વિરેન્દ્રસિંગ યાદવ તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ એલસીબીની ટીમને કાર્યરત કરી હતી. એલસીબી-૨ પીઆઈશ્રી એચ.પી.પરમારના નેતૃત્વ હેઠળ એમની એક ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મળેલ બાતમી આધારે ગાંધીનગરના ઉવારસદ ખાતે પ્રમુખ એરિસ્ટા ફ્લેટમાં ફોન અને લેપટોપથી જુગાર રમાડે છે.
પ્રમુખ એરિસ્ટાના સાતમા માળે આવેલા ડી-701 નંબરના ફ્લેટનો દરવાજો ખખડાવી એલસીબીની ટીમ અંદર પહોંચી ત્યારે પલંગ અન ટેબલ પર લેપટોપ મોબાઈલ પથરાયેલા હતા. સૂત્રધાર વિરાટ રમેશભાઈ ઠક્કરે (મૂળ રહે. મેઘપર બોરીચી, અંજાર, કચ્છ) આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. તેણે મળતિયાઓને બોલાવીને કેસિનો રમાડવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત ક્રિકેટ સહિત અન્ય રમતો પર પણ ઓનલાઈન સટ્ટો લેવાનું શરૂ કર્યું હતું. હારજીતના નાણાંનો વ્યવહાર ગ્રાહકોના ખાતામાં થતો હતો અને રમેશે આ કામ માટે વિવિધ બેંક ખાતા ભાડે રાખેલા હતા.
પોલીસે મુખ્ય સૂત્રધાર વિરાટની સાથે દેવેન્દ્રસિંહ હરીસિંહ ડાભી (મૂળ રહે. ભારતનગર, ગાંધીધામ કચ્છ), યશ રમેશભાઈ ઠક્કર (મૂળ રહે. હાઉસિંગ બોર્ડ, મોરબી) તથા વિનોદ બાબુભાઈ ઠાકોર (મૂળ રહે. સાંથલપુર, પાટણ)ની ધરપકડ કરી હતી. અમરેલીના લક્ષ્મણ ઉર્ફે લકી ચંદુભાઈ ગોસાઈએ આરોપીઓને જુગાર રમાડવા ઓનલાઈન એપ્લિકેશન પૂરી પાડી હતી. પોલીસે લકી સામે પણ ગુનો દાખલ કરી તેને શોધવા કવાયત હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 21 મોબાઈલ, પાંચ લેપટોપ, રાઉટર, 4 બેંક પાસબબુક, 1 ચેકબુક, 38 એટીએમ કાર્ડ સહિત કુલ રૂ.2,41,350નો મુદ્દામાલ કબજે કર્યો છે.
કેસિનો કે સટ્ટો રમવા માગતા ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ લેવાતું હતું. જેથી બાકી નાણાંની વસૂલાત કે હિસાબ-કિતાબની કોઈ સમસ્યા રહે નહીં. ગ્રાહકો દ્વારા જમા થયેલા નાણાં મુજબ ઓનલાઈન કોઈન આપવામાં આવતા હતા. દાવ પર કોઈન લગાવ્યા બાદ જ જુગાર રમી શકાતો હતો. દાવ પૂરો થયા પછી ગ્રાહકોના ખાતામાં રહેલા કોઈન ચેક થતા હતા અને કોઈન મુજબ નાણાં જમા થઈ જતા હતા. ગ્રાહકોએ મોકલેલા નાણાં અલગ-અલગ બેંક ખાતામાં જમા થતા હતા. આ રીતે કરોડો રૂપિયા સગે-વગે થયા છે અને તેનું મૂળ શોધવા એલસીબીએ તપાસ તેજ કરી છે.