આણંદ જિલ્લાના નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા આવે તે માટે શ્રી જે.આર.મોથલીયા,પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ તથા શ્રી જી.જી.જસાણી, પોલીસ અધિક્ષક આણંદ નાઓની સૂચના અનુસાર જિલ્લા પોલીસ ટીમ દ્વારા વિવિધ ઠેકાણે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ વિધાલય ગંભીરા આણંદ ખાતે સાયબર ક્રાઇમ અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી.ચૌધરી, એ.એસ.આઈ. મુસ્તકીમ મલેક, કોન્સ્ટેબલ ગીતાબેન તથા સાયબર પ્રમોટર વીરેન જોષી દ્વારા વિદ્યાર્થીઓને સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઈમ સામે રાખવાની થતી સાવધાની તથા સાયબર ક્રાઈમની ફરીયાદ કરવાની પ્રક્રિયાનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાયબર ક્રાઇમ થાય ત્યારે સાયબર ક્રાઈમ હેલ્પ લાઇન નંબર 1930 ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવા અંગે વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ,કોલેજનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.