દિલ્હીમાં આજે (નવમી ડિસેમ્બર) વહેલી સવારે એક બાદ એક 40થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો હતો. ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ સવારે શાળાએ આવતા તમામ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે આજે 40 થી વધુ શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. મેઈલમાં લખ્યું છે કે મેં ઈમારતોની અંદર ઘણા બોમ્બ પ્લાન્ટ કર્યા છે. બોમ્બ નાના અને ખૂબ જ સારી રીતે છુપાયેલા છે. આનાથી ઈમારતને વધારે નુકસાન નહીં થાય, પરંતુ બોમ્બના વિસ્ફોટને કારણે અનેક લોકો ઘાયલ થશે. જો મને $30,000 નહીં મળે તો હું બોમ્બ વિસ્ફોટ કરીશ.
29 નવેમ્બરના રોજ રોહિણીની વેંકટેશ્વરા ગ્લોબલ સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. આના એક દિવસ પહેલા પ્રશાંત વિહાર વિસ્તારમાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. રાજધાનીમાં આવી જ ધમકીઓ સતત મળી રહી છે.
ગુરુવારે સવારે પ્રશાંત વિહાર વિસ્તારના એક પાર્કની પાસે એક મીઠાઈની દુકાનની સામે જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ઘટનાસ્થળે હાજર એક ટેમ્પો ચાલક ઘાયલ થયો હતો. એક મહિના પહેલા આ જ વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલની દિવાલ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ કેસમાં પોલીસને હજુ સુધી આરોપીઓ વિશે કોઈ સુરાગ નથી મળ્યો.પોલીસે વિસ્ફોટના સંબંધમાં કેસ નોંધ્યો છે. પ્રશાંત વિહાર પોલીસ સ્ટેશને અજ્ઞાત વ્યક્તિઓ સામે સ્વૈચ્છિક રીતે ખતરનાક શસ્ત્રો અથવા માધ્યમો દ્વારા ગંભીર ઇજા પહોંચાડવા માટે, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને જાહેર સંપત્તિને નુકસાન અટકાવવા માટેનો કેસ નોંધ્યો છે. ગુરુવારે બી બ્લોકમાં થયેલા બ્લાસ્ટમાં એક ટેમ્પો ચાલક ઘાયલ થયો હતો.
તપાસ દરમિયાન પોલીસને સ્થળ પરથી ટાઈમર, ડિટોનેટર, બેટરી, ઘડિયાળ, વાયર વગેરે મળી આવ્યા ન હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસને શંકા છે કે આમાં પણ નાઈટ્રેટ અને હાઈડ્રોજન પેરોક્સાઈડ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને હાઈ ગ્રેડ વિસ્ફોટકો ગણવામાં આવતા નથી. આશંકા છે કે ડ્રાઇવરે કચરામાં રાખેલા વિસ્ફોટક પર બીડી ફેંકવાના કારણે બ્લાસ્ટ થયો હતો. પોલીસ ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે.