‘વિદ્યાર્થીઓમાં ધીરજ, સહનશીલતા, હિંમત જેવા ગુણો ઘટતા જાય છે’
વિદ્યાર્થીઓમાં વધતા જતા આત્મહત્યાનાં બનાવો પાછળ માતા-પિતા સાથે વાતચીતનો અભાવ સૌથી વધુ જવાબદાર; શાળાનાં અભ્યાસક્રમો પણ બદલાવ માગે છે.
છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં આપઘાતનાં ચિંતાજનક બનાવો ઉતરોતર વધતા જાય છે. ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં વધતા જતા આપઘાતના બનાવો અંગે હાથ ધરવામાં આવેલા સર્વે દરમિયાન આપઘાતનાં બનાવો પાછળનાં ચોંકાવનારા કારણો જાણવા મળ્યા હતા. જેમાં જે વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા સાથે ખુલ્લા મને તમામ પ્રશ્નોની વાતચીત કરી શકતા નથી, તેઓ ડિપ્રેશનમાં આવી જઈ આત્યંતિક પગલું ભરી લેતા હોવાનું જાણવા મળ્યુ હતું.
વિદ્યાર્થીઓમાં વધતા જતા આપઘાતનાં બનાવો અંગેનાં અભ્યાસ દરમિયાન જાણવા મળ્યુ હતું કે મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓ પણ આપઘાત કરનારાનું પ્રમાણ વધુ છે. ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોનાં વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારનાં ચિંતાજનક બનાવો પાછળ માતા-પીતા અને બાળકો વચ્ચે વાતચીતનો અભાવ મુખ્યત્વે જવાબદાર જોવા મળે છે. હતાશ બાળકોને માતા-પિતાની હૂંફ સૌથી વધુ ઉપયોગી થાય છે. નકામી લાગણીઓ સ્વીકારવી જોઈએ નહી, જેથી બાળકોને પણ ખ્યાલ આવે કે ગેરવ્યાજબી માગણીઓ માતા-પિતા કયારેય સ્વીકારશે નહીં.
સર્વે દરમિયાન આત્મહત્યાનાં કારણો જે જાણવા મળ્યા હતા તેમાં (1) ઈચ્છિત ધ્યેયની પૂર્તિ ન થવાની નિષ્ફળતાની લાગણી થવી. (2) મનોબળ નબળું હોવાથી કોઈની વાતનો તત્કાલ સ્વીકાર (3) વધુ લાડપ્રેમને લીધે ‘ના’ ન સાંભળવું અને અતિશય ગરીબીને કારણે નિમ્ન હોવાની લાગણી (4) જાતનું અયોગ્ય મૂલ્યાંકન (5) પૂરતા પ્રયત્નિવના સફળતા મેળવવાની ઈચ્છા (6) નિષેધક વિચારધારા (7) ઈલેકટ્રીક સાધનોનાં વ્યસની (8) પ્રેમના સબંધો કૌટુંબિક કારણો (1) માતા-પિતા બન્નેનું નોકરીયાત હોવું (2) બાળક વચ્ચે વાતચીતનો અભાવ (3) બાળકોની યોગ્ય વાતનો પણ અસ્વીકાર (4) વિભક્ત કુટુબમાં એકલાપણું અનુભવવું. (5) માતા-પિતાનાં પ્રેશર હેઠળ પસંદ કરેલો અભ્યાસક્રમ (6) પરિવારમાં એક બાળકની બીજા બાળક સાથે તુલના (7) નાની ઉુમરમાં બાળકને શીખવવા માટે ઘરનું વાતાવરણ ન મળવું. (8) બાળકોને સમજાવવાની જગ્યાએ માર મારવો (9) બાળકની દરેક જીદ પૂર્ણ કરવી. શૈક્ષણિક કારણોઃ (1) અયોગ્ય મેનેજમેન્ટ (2) આદર્શ શિક્ષાનો અભાવ (3) ઓછા શિક્ષકો (4) માત્ર પરીક્ષા પર ભાર (5) ફિ સિવાયનું આર્થિક ભારણ (6) નબળી આર્થિક સ્થિતિ હોવા છતાં મોંઘી શાળામાં ભણાવવાની ઘેલછા.
આ તમામ બાબતોનાં કારણે વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન અને આપઘાતનું પ્રમાણ વધે છે. આ દૂષણને નિયંત્રિત કરવા માટે શિક્ષણનાં અભ્યાસક્રમમાં ત્વરીત બદલાવ લાવવો ખાસ જરૂરી છે. વિદ્યાર્થીઓને રોજગારલક્ષી તાલીમ મળે તેમજ સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા લોકપ્રિય બને અભ્યાસેતર પ્રવૃતિઓનો વિકાસ થાય, યોગ, શિક્ષણ અને ધ્યાનની તાલીમ ફરજીયાત થાય તેમજ બિનશૈક્ષણિક પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓ વધુ રસ લેતાં થાય તે ખૂબજ જરૂરી હોવાનું જણાવાયું હતું.