શહેરમાં કેટલાય વર્ષ જૂના જર્જરિત મકાનો ભયજનક હાલતમાં મૂકીને તેમાંથી વસવાટ બંધ કરાવવામાં આવ્યો છે. આવા ઘણા બંધ પડેલા મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે ત્યારે સેક્ટર- 13માં આવા મકાનોની અંદર કોઇ અજાણ્યા વ્યક્તિઓ મૃત પશુઓ ફેંકી જતા હોવાથી સેકટોરવાસીઓ માટે એક મોટી મુસીબત ઉભી થઇ છે.
શહેરમાં મોટા પ્રમાણમાં સરકારી મકાન જર્જરિત અને ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. પાટનગર યોજના વિભાગ દ્વારા આવા મકાનો ત્વરિત ખાલી કરી દેવામાં આવ્યા છે. ઘણા મકાનો તોડી પાડવા માટે સરકારની મંજૂરી પણ મળી ગઈ છે. તો ઘણા મકાનોની પ્રક્રિયા લાંબી હોવાથી સરકારની મંજૂરી આવે નહીં અને તેને તોડી પાડવાનું આયોજન થાય નહીં ત્યાં સુધી આ મકાનો ખંડેરની જેમ પડ્યા રહે છે. આવા મકાનોમાં અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે. હમણાં જ સેક્ટર-13માં કોઇ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આવા મકાનોમાં મૃત પશુઓ નાંખી ચાલ્યા જય છે.પ્લાસ્ટીકના કોથળામાં નાના-નાના મૃત પશુઓ નાખી જાય છે. પરિણામે સેક્ટરવાસીઓને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.