લોક અધિકાર ગાંધીનગર
રાજ્યમાં દારૃબંધી હોવા છતા ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ વધી છે ત્યારે દહેગામ નરોડા હાઇવે ઉપર દારૃ પીને કાર હંકારતા શખ્સે ડિવાઇડર કૂદાવીને કાર વાસણારાઠોડના બે નિર્દોષ યુવાનોને કચડી નાંખતા તેમના ઘટનાસ્થળ ઉપર મોત થયા હતા. નાનકડા ગામમાં જીગરજાન બે મિત્રોની અર્થી એક સાથે ઉઠતાં ગામ આખું હિબકે ચઢ્યું હતું. એક બાજુ સરકાર દારૃબંધીનું કડકપણે પાલન કરાવવાની વાતો કરી રહી છે. ત્યારે રાજ્યના આર્થિક કેપિટલ એવા અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવને કારણે અક્સ્માતોની ઘટનાઓ વધી છે. આ સ્થિતિમાં પોલીસે રાત્રે ઝુંબેશ ચલાવીને નિર્દોષોને દંડવાનું પણ શરૃ કર્યું છે. ત્યારે દહેગામ નરોડા હાઇવે ઉપર નશામાં ચકચૂર શખ્સે બે યુવાનોને કચડી નાંખ્યાની ઘટના બહાર આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં રહેતા વિશાલ દીપસિંહ રાઠોડ (ઉં.વ ૨૬) અને અમિત ભરતસિંહ રાઠોડ (ઉં.વ ૨૭) નરોડામાં નોકરી કરતા હતા અને કામથી તેમના મોપેડ ઉપર ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન નરોડામાં હરિદર્શન ચાર રસ્તા પાસે ગેલેક્સી બંગલોઝમાં રહેતો મિતેશ ઉર્ફે ગોપાલ રમેશભાઇ પટેલ દારૃના નશામાં ચકચૂર બેફામ રીતે તેની કાર હંકારીને તેના ઝાક ગામના ખેતરમાંથી નિકળ્યો હતો. તે દરમ્યાન દહેગામ નરોડા હાઇવે ઉપર એણાસણ પાસે મિતેશે સ્ટીયરીંગ ઉપરથી કાબું ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને સામે તરફથી મોપેડ ઉપર આવી રહેલા વિશાલ અને અમિત ઉપર ફરી વળી હતી. આ ગંભીર અકસ્માતમાં આ બન્ને યુવાનોનું ઘટનાસ્થળ ઉપર જ કરુણ મોત નિપજ્યું હતું. એટલુ જ નહીં, અકસ્માતથી એકઠાં થયેલા લોકોએ દારૃના નશામાં રહેલા મિતેશ પટેલને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. બીજીબાજુ વાસણા રાઠોડ ગામના બે આશાસ્પદ યુવાનોના અકાળે મોત થતા ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી અને નિર્દોષોનો જીવ લેનાર વાહનચાલકને કડકમાં કડક સજાની માંગ પણ કરી હતી. વાસણા રાઠોડ ગામે એક સાથે બે મિત્રોની અર્થી ઉઠતાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.