Breaking
Fri. Dec 13th, 2024

દારૂ પાર્ટી કરીને અકસ્માત કરનારા કારચાલક અઠવાડિયે પકડાયો

Spread the love

એસજી હાઇવે ખાતેના બ્રિજ પર ડોકટરોને ટક્કર મારી ઇજા પહોંચાડવાનો મામલો – અકસ્માત બાદ કાર સર્વિસમાં મૂકીને ઉદયપુર ભાગી ગયો હતો

લોક અધિકાર, અમદાવાદ

એક અઠવાડિયા પહેલા એસજી હાઇવે પરના ઓવરબ્રિજ પરથી સાઇકલ લઇને પસાર થતા બે ડોકટરોને ટક્કર મારીને કારચાલક ફરાર થઇ ગયો હતો. આ હીટ એન્ડ રન કેસમાં ટ્રાફિક પોલીસે સીસીટીવી એકત્રિત કર્યા બાદ પણ આરોપીને પકડી શકી નહોતી. તેવામાં ઝોન-1 એલસીબીની ટીમે અકસ્માત સર્જનાર કારચાલક નબીરાને ઝડપી લીધો હતો. છારોડીમાં રહેતો પરમ વોરા તેના મિત્રો સાથે વસ્ત્રાપુરમાં આખી રાત દારૂ પાર્ટી કરીને પરત જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત કર્યો હોવાની કબૂલાત કરી છે. અકસ્માત બાદ તેણે કાર સર્વિસમાં આપી હતી અને પોતે ઉદયપુર ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી કાર કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના પ્રેરણાતીર્થ બંગ્લોઝમાં રહેતા અનિશભાઇ તિવારી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. ગત તા.23મીએ શનિવારે અનિશભાઇ તેમના સાયકલિંગ ગ્રૂપ સાથે વૈષ્ણવદેવી સર્કલથી વડસર ખાતે જવા નીકળ્યા હતા. બાદમાં આ ગ્રૂપ એસજી હાઇવે પર આવેલા ઓવરબ્રિજ પરથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી એક એસયુવી કારના ચાલકે અનિશભાઇ અને તેમની સાથેના કિષ્નાબેન શુક્લાને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. ગ્રૂપના સભ્યોને આ બાબતે જાણ થતાં બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ એસજી-1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે કારનો નંબર સ્પષ્ટ ન મળતા ટ્રાફિક પોલીસ ઘૂંચવાઇ ગઇ હતી. બીજી બાજુ આ મામલો હાઇપ્રોફાઇલ બનતાં ઝોન-1 ડીસીપીની એલસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું. પોલીસે અકસ્માત સ્થળ પહેલાના સ્થળો પરના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં કારનો રંગ અને મોડલ તેમજ રજિસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે તપાસ કરી હતી. જેમાં કારનો માલિક પરમ વોરા (રહે. કાસા ઇલાઇટ, છારોડી) હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ કરીને તેને શુક્રવારે મોડી સાંજે ઝડપી પાડ્યો હતો.

 

પોલીસે આરોપીને પકડવા માટે 100થી વધુ સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. સીસીટીવીના આધારે પોલીસને ગાડીનો રજિસ્ટ્રેશન નંબર મળી આવ્યો હતો. બાદમાં ઘટનાસ્થળથી પાછળના ટ્રેક પરના સીસીટીવી તપાસતા કાર વસ્ત્રાપુર ખાતેથી આવી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે વસ્ત્રાપુરમાં અલગ અલગ સીસીટીવી તપાસતા એક ફ્લેટ પાસેના સીસીટીવીમાં કાર જોવા મળી અને અંતે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. જો કે આ બનાવને એક સપ્તાહ જેટલો સમય વીતી જતા મેડિકલ રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ મળી આવવાની શક્યતા નથી, જો કે પરમ વોરાનું નિવેદન પોલીસ માટે મહત્ત્વનું બની રહેશે.

 

આરોપી પરમ વોરા સર્જિકલના સાધનોનું વેચાણ કરવાનું કામ કરે છે. અકસ્માત બાદ કારને સર્વિસ સેન્ટરમાં મૂકીને ચાર દિવસ માટે ઉદયપુરમાં લગ્ન પ્રસંગમાં જવાનું કહીને જતો રહ્યો હતો. તપાસ દરમિયાન ઘટનાસ્થળની પાછળના રૂટ પરના સીસીટીવી ટ્રેક કરાતા સીસીટીવીમાં આ કાર પહેલા વસ્ત્રાપુરમાં જોવા મળી હતી. જેથી વસ્ત્રાપુર વિસ્તારમાં અનેક ફ્લેટમાં તપાસ કરતા પરમ વોરાની એક જગ્યાએ હાજરી મળી હતી. જે ફ્લેટમાં પરમ અને તેના મિત્રો દારૂ પીધેલી હાલતમાં રાત્રે લથડિયા ખાતા જોવા મળ્યા હતા. પરમે તેના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી અને સવારે ઘરે પરત જતા અકસ્માત સર્જાયો હતો. આરોપી અને મિત્રો નશામાં સરખા ચાલી શકતા નહોતા તેવા પણ ફુટેજ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ તમામ પુરાવા એકત્રિત કરીને આરોપીને ટ્રાફિક પોલીસને સોંપ્યો છે. આગામી તપાસ દરમિયાન આ મામલે પ્રોહિબિશનની કલમોનો ઉમેરો કરાશે. – હિમાંશુ વર્મા, ડીસીપી, ઝોન-1

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *