નકલીની ભરમાર,ગાડી પર પોલીસ લાઈટ અને પોલીસ સિમ્બોલ લગાવી રોફ મારતો
લોક અધિકાર. અમદાવાદ
નારોલ-લાંભા ટર્નિંગ નજીક પોલીસ અધિકારી હોવાના રોફ મારીને ફરી રહેલા યુવકની નારોલ પોલીસે ધરપકડ કરી છે. પેટ્રોલિંગ કરી રહેલી નારોલ પોલીસને લાંભા જવાના રસ્તા નજીક એક ગાડી ઊભેલી મળી હતી. પોલીસ લાઈટવાળું ખાનગી વાહન દેખાતા નારોલ પોલીસને શંકા થઇ હતી. તપાસ કરતા ગાડી આગળના કાચ પર લાઈટો લગાડવામાં આવી હતી તથા નંબર પ્લેટ પર પોલીસને સિમ્બોલ લગાવ્યા હતા. ગાડીમાંથી યુવકને ઉતારીને તેની પૂછપરછ કરતા હકીકત જાણવા મળી કે લોકોમાં ડર અને ધાક જમાવવા પોલીસ બનીને ફરતો હતો. આ મામલે નારોલ પોલીસે વિરાજ મેઘા નામના યુવકની ધરપકડ કરી છે.
વટવા કેનાલ રોડ નજીક વિનાયક રેસિડન્સીમાં રહેતા વિરાજ નીતિનકુમાર મેઘા નકલી ડીવાયએસપી હોવાનો રોફ જમાવીને ફરતો હતો. નારોલ પોલીસે લાંભા ટર્નિંગ પાસેથી ગાડીમાંથી તેની ધરપકડ કરી છે. આરોપી યુવકે તેની ગાડીની નંબર પ્લેટ પર ડીવાયએસપી તથા પોલીસના સિમ્બોલ લગાવેલા હતા. પોલીસને તપાસ દરમિયાન કમરના ભાગેથી ધારદાર છરી મળી હતી. નકલી ડીવાયએસપીના રોફ જમાવતા ટપોરી યુવકે ગાડીના આગળના કાચના ભાગે પોલીસની લાઈટ લગાડેલી હતી. નારોલ પોલીસે પૂછપરછ કરતા તેણે પોતે પોલીસમાં હોવાનું જણાવ્યું હતું પરંતુ તેની પાસેથી કોઈ આધાર-પૂરાવા મળી આવ્યા ન હતા. ત્યારબાદ અસલી પોલીસે નકલીને સબક શીખવાડ્યો અને ગુનો નોંધીને ગાડી કોના નામે છે અને તે સિવાયની અન્ય વિગતોની તપાસ શરૂ કરી છે.