મોરબીથી લિફ્ટ માગીને અમદાવાદ પહોંચ્યો,પરિવાર સપોર્ટ ન કરતો હોવાથી BBAનો અભ્યાસ કરનાર ગૌરાંગ ગોસ્વામીએ BMW કાર ચોરી
ઉચ્ચ અભ્યાસ કરીને કોઇ ગરીબ યુવક શહેરમાં આવે અને થોડા જ સમયમાં મોટી કાર લઇને પોતાના ગામમાં પાછો જાય. આવી સ્ટોરી આપણને હિન્દી ફિલ્મોમાં જ જોવા મળે ત્યારે મોરબીથી BBA થઇને લોકો પાસે લિફ્ટ માગીને અમદાવાદ આવેલો ગૌરાંગ ગોસ્વામી BMW કારના શોરૂમ પાસેથી પોતે જ શોરૂમનો સિનિયર અધિકારી હોવાનું કહીને એક કાર લઇ ગયો હતો. તેને વ્યવસાય કરવો હતો, પરંતુ પરિવાર સપોર્ટ નહોતો કરતો માટે તે તેમને પોતામાં BMW લેવાની ક્ષમતા છે તેવું બતાવવા માટે કાર લઇને નીકળ્યો હતો. જોકે, સરખેજ પોલીસની ટીમે તે ઘરે પહોંચે તે પહેલા જ ઝડપી લઇ નવી નક્કોર BMW કાર કબજે લીધી છે. સરખેજ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. ધુળિયાની ટીમે આ ભેજાબાજ યુવકને શોધી કાઢ્યો હતો.
BMW કારની ફેક્ટરીમાં એક ટ્રેલરમાં 3 કાર અમદાવાદ શો રૂમ પર આવી હતી. વહેલી સવારે ટ્રેલર પહોંચ્યું હોવાથી તેન ડ્રાઇવર અને ટીમ શોરૂમ ખુલવાની રાહ જોતા હતા ત્યારે એક યુવક ત્યાં પહોંચ્યો હતો અને પોતાની ઓળખ BMW શોરૂમના અધિકારી તરીકે આપી હતી. ટ્રેલર વ્યવસ્થિત પાર્ક કરાવી ગાડીઓ નીચે ઉતરાવી હતી. તેણે તમામ ગાડીઓ કંપનીના સ્ટોક યાર્ડમાં મૂકવાની હોવાનું કહી વારાફરતી એક એક કાર લઇ જવાનું કહ્યું હતું અને 60 લાખની BMW કાર લઇને નીકળ્યો હતો. તે બીજી કાર લેવા આવ્યો જ નહિ. શોરૂમ ખુલતા ટ્રેલરના સ્ટાફે તપાસ કરી તો આવો કોઇ જ અધિકારી નહિ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તરત જ સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી અને ઇન્સ્પેક્ટર ધુળિયાની ટીમ એક્ટિવ થઇ ગઇ. કારનું ટ્રેકર ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે કાર લઇને ગયેલા યુવકે સાણંદ નજીક ઇંધણ ભરાવ્યું હતું અને હાલ તે મોરબી તરફ જઇ રહ્યો છે. તેણે મોરબી નજીક જેવો ટોલ ક્રોસ કર્યો કે ત્યાં તેની રાહ જોઇની ઉભેલી પોલીસે તેને ઝડપી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં તેણે BBA સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ પરિવાર વ્યવસાય કરવા સહયોગ કરતા નથી તેથી નસીબ અજમાવવા અમદાવાદ આવ્યો હતો અને BMW કાર લઇને વતન જઇ રહ્યો હોવાની કેફિયત આપી હતી. તે પરિવારને ક્ષમતા બતાવવા માગતો હતો, પરંતુ ઝડપાઇ ગયો હતો.