દાદા’ સરકાર એક્શન મોડમાં ! એક સાથે 5 અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત
નર્મદા અને પાણી પુરવઠા વિભાગનાં આ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો ‘દાદા ‘ સરકારે હુકમ કર્યો
ગુજરાત સરકાર દ્વારા વધુ 5 સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. નર્મદા અને પાણી પુરવઠા વિભાગનાં 5 અધિકારીઓ પર તવાઈ બોલાવી તેમને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. મળતી માહિતી મુજબ , જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માહલાને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. સાથે જ એવી પણ માહિતી છે કે અધિકારીઓ વિરુદ્ધ વિભાગ હસ્તક ચાલતી તપાસ ચાલુ રહેશે.
‘દાદા’ સરકારે કરેલા હુકમ મુજબ, ફરજિયાત નિવૃત્ત કરેલા અધિકારીઓને સામેની પડતર ખાતાકીય તપાસ અને ફોજદારી કેસ ચાલુ રહેશે. ઉપરાંત, આ અધિકારીઓ વિરુદ્ધ ભવિષ્યમાં જો કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ થશે તો તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરાશે. જણાવી દઈએ કે, આ પહેલા પણ 7 નવેમ્બરે મહેસૂલ વિભાગનાં સુપ્રિટેન્ડન્ટ લેંડ રેકોર્ડના વર્ગ 1 નાં અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરાયા હતા. જ્યારે, 8 નવેમ્બરનાં રોજ ભીલોડા આઈટીઆઈના પ્રિન્સિપાલ અને સુરતઆઈટીઆઈના પ્રિન્સિપાલને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હતી.