જેમની ફરિયાદો રોજની થઇ ગઇ છે તેવા 15ને જિલ્લા બહાર બદલી કરવા માટે કવાયત શરૂ, અમદાવાદમાં ગુનાખોરી સતત વધતાં પોલીસ કમિશનર ઓફિસ એક્શન મોડમાં આવી ગઇ, હવે મક્કમ પગલાં ભરાશે
લોક અધિકાર , અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી પખવાડિયાની રજા પૂર્ણ કર્યા બાદ ચાર્જ સંભાળતાની સાથે જ પોતાનો અસ્સલ મિજાજ બતાવી દીધો છે. ગુનાખોરીને ઘટાડવા અને ગુનેગારોને ડામી દેવા માટે એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. શહેરમાં થયેલી હત્યાના મામલે કાગડાપીઠ અને એલિસબ્રિજ પોલીસ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરી દીધી છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર કચેરી દ્વારા શહેરના 60 કુખ્યાત પોલીસવાળાનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જેમને ખાલી પડેલી કે કંપની (મોટા ભાગે સાજાના ભાગ રૂપે જ આ જગ્યાએ પોસ્ટિંગ અપાતું હોય છે)માં પોસ્ટિંગ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ 60 પૈકી 15 તો એવા પોલીસકર્મીઓ છે કે તેમની ફરિયાદો છેક ગાંધીનગર સુધી રેલો પહોંચી ગયો છે તેમની જિલ્લા બહાર બદલી કરવા માટેની કવાયત પુરપાટ ઝડપે શરૂ થઇ ગઈ છે
શાંતિપ્રિય અમદાવાદ શહેરમાં છેલ્લા મહિનાઓથી અશાંતિ થઇ ગઇ છે. માથાભારે તત્ત્વો માથું ઊંચકી રહ્યા છે. કૃષ્ણનગર, વાડજ અને સોલા જેવા વિસ્તારોમાં માથાભારે લુખ્ખા તત્ત્વો હથિયારો સાથે ધસી આવીને સમગ્ર વિસ્તારને બાનમાં લઇ રહ્યા છે. બૂટલેગર બેફામ બન્યા છે ત્યારે આ સમગ્ર બાબતના મૂળમાં ચોક્કસ પોલીસવાળાઓના કારનામા સામે આવી રહ્યા છે. કુખ્યાત પોલીસવાળા કોઇને છાવરી રહ્યા છે અથવા તો કોઇને ખોટી રીતે મદદ કરી રહ્યા છે. જેને લઇને ગુનેગારો બેફામ બન્યા છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર
પોલીસ એરપોર્ટથી આવતા મુસાફરોને લૂંટી રહી છે. શહેરીજનોની ફરિયાદ લેવામાં ડોડાઇ કરી રહ્યા છે. જે તે પોલીસ મથકમાં ફરજ બજાવતા આવા 60 કુખ્યાત પોલીસવાળાઓને લીધે જ શહેરની શાંતિ ડહોળાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે તેમને પાઠ ભણાવવા માટે હેડ ક્વાર્ટરની કે કંપનીમાં બદલી આપવાની તૈયારીઓ પૂર ઝડપમાં શરૂ થઇ ગઇ છે. આ પૈકી 15 તો એવા પોલીસકર્મીઓ છે કે તેમની નિયમિત ફરિયાદો આવી રહી છે. તેમની જિલ્લા બહાર બદલી કરવાની કવાયત હાથ ધરાઈ રહી છે. આ પહેલા માધુપુરા સટ્ટાકાંડમાં પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી.
હેડ ક્વાર્ટરમાંથી ગોઠવણ કરીને બહાર આવી જતાં પોલીસવાળાના જ વધારે નાટક શરૂ થયા છે
પોલીસ કમિશનર શહેરમાંથી દારૂ-જુગારના દૂષણ ઉપરાંત માથા ભારે લુખ્ખા તત્ત્વોને ડામી દેવા માટે કટીબદ્ધ છે. પોલીસ કમિશરે ચાર્જ સંભાળતાની સાથે જ એક જ પોલીસ મથકમાં પાંચ-સાત વર્ષથી અડ્ડો જમાવીને બેઠેલા હજારો પોલીસ કર્મીઓની બદલીઓ કરી દીધી હતી. શહેર ચોક્કસ પોલીસવાળા જ ચલાવી રહ્યા હોવાની વિગતો મળતાં તેમણે આવા પોલીસવાળાઓની બદલી પોલીસ હેડ કવાર્ટરની કે કંપનીમાં કરી દીધી હતી. જોકે તેઓ વગ વાપરીને બહાર આવી ગયા હતા અને ફરીથી તેમના ગોરખધંધા શરૂ થઇ ગયા હતા.