લોક અધિકાર, અમદાવાદ
નરોડા વિસ્તારમાં રોંગ સાઇડમાં બેફામ કાર હંકારી વૃદ્ધનું મૃત્યુ નિપજાવવાના હિટ એન્ડ રન કેસમાં એક મહિનાથી ફરાર છે. આ કેસમાં વહીવટદાર પોલીસકર્મી સુરપાલસિંહનું નામ ખુલ્યું છે. આમ છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે અને ગાડીનો પણ કોઇ જ અત્તોપત્તો નથી. આમ, સામાન્ય અકસ્માતમાં તાત્કાલીક પગલાં ભરતી પોલીસનો હિટ એન્ડ રન જેવા ગંભીર કેસમાં પોલીસને બચાવવાનો કારસો ઘડાય રહ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ આરોપી હોવા છતાં વહીવટદાર પોલીસકર્મી મુક્ત રીતે રોજ ફરજ બજાવી રહ્યો છે.
નરોડાના હંસપુરા ખાતે રહેતા નટવરલાલ પ્રજાપતિ 9 ઓક્ટોબરના રોજ સવારે સાત વાગ્યે નિત્યક્રમ મુજબ નોકરી જવા નીકળ્યા હતા અને બસ સ્ટેન્ડ પર ઊભા હતા ત્યારે રોંગ સાઇડથી એક બ્લેક કલરની કાર પૂરઝડપે આવી હતી અને નટવરલાલને અડફેટે લેતા તેઓ હવામાં ફંગોળાઇ નીચે પડ્યા હતા. કારની સ્પીડ એટલી બધી હતી કે, અકસ્માત બાદ તેઓનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ મામલે નટવરલાલના પુત્ર સંદીપે ફરિયાદ નોંધાવતા પોલીસે હિટ એન્ડ રનની કલમ લગાવી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ઘટનાના એક દિવસ બાદ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં કાળા કલરની કિયા ગાડી રોંગ સાઇડ પૂરઝડપે આવી હતી અને નટવરલાલને અડફેટે લીધા હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. પોલીસ તપાસમાં એવી વિગત સામે આવી હતી કે, આ નંબર પ્લેટ વગરની ગાડી વહીવટદાર સુરપાલસિંહની છે અને તેઓ તથા અન્ય વ્યક્તિ બૂટલેગરની પાછળ જઇ રહ્યાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. આમ છતાં પોલીસ કર્મચારી હોવાને કારણે પોલીસે કૂણું વલણ અપનાવી આરોપીને પકડ્યો નથી. સામાન્ય અકસ્માત કે હિટ એન્ડ રન થાય તેમાં પોલીસ તાત્કાલીક પગલાં લેતી હોય છે, પરંતુ આ કેસમાં આરોપી પોલીસ કર્મચારી હોવાને કારણે ઘટનાને એક મહિનો પૂરો થઇ ગયો છતાં કોઇ જ પગલાં ભરાતા નથી. ઉપરાંત અકસ્માત સર્જનાર ગાડી પણ મુદ્દામાલમાં હજુ સુધી કબજે કરવામાં આવી નથી. આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પીઆઇ એન.એચ. શેખનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો ફોન બંધ હતો.
પોલીસકર્મી,વહીવટદારને નંબર પ્લેટ વગરની ગાડી રાખવાની છૂટ?
ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સિટબેલટ અને નંબર પ્લેટ ન રાખનાર ચાલકો સામે લાલ આંખ કરી છે. ઉપરાંત ટ્રાફિક પોલીસ નિયમોનું પાલન ન કરનાર સીધી સાદી પ્રજા પાસે મસમોટો દંડ પણ વસૂલી રહી છે, પરંતુ શહેરમાં પોલીસ કર્મચારીઓ અને વહીટવદારો નંબર પ્લેટ વગરની ગાડી રાખી બિન્સસ્ત ફરી રહ્યાં છે, પરંતુ તેમની સામે કોઇ પણ પગલાં લેવામાં આવતા નથી. આમ, સામાન્ય પ્રજા અને પોલીસ માટે કાયદો અલગ અલગ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે અને લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
બૂટલગેરોએ પોલીસને ફસાવવા અકસ્માત કરનાર પોલીસકર્મી,વહીવટદારને નજરે જોયા હોવાની અરજી આપી
શહેરમાં બૂટલેગરો બેફામ બન્યા છે ત્યારે પોલીસ પણ તેમને ઝડપી લેવા કમર કસી રહી છે. બીજી તરફ આ અકસ્માતમાં પોલીસકર્મી હોવાની જાણ થતા કેટલાક બૂટલેગરો (જેમને દારૂની પરમીશન ન આપી હોય તે)એ પોલીસને અરજી આપી હતી. જેમાં આ અકસ્માત સુરપાલસિંહે કર્યો હોવાની અને તેમને નજરે જોયા હોવાની રજૂઆત કરી છે. જેથી પોલીસે તે દિવસના સીડીઆર મેળવી આ મામલે ખરાઇ કરવા કવાયત હાથ ધરી છે. આમ બૂટલગેરોએ પોલીસને ફસાવવા કમર કસી છે.