લોક અધિકાર, અમદાવાદ
બુકાનીધારી મહિલા વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાખી,માર મારી ફરાર થઇ ગઈ હતી
ઉસ્માનપુરામાં આવેલી શાંતિનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધા ઘરે એકલા હતા ત્યારે બંગલૉના ધાબેથી બુકાનીધારી મહિલા ઘરમાં પ્રવેશી હતી. આ મહિલાએ લૂંટ કે ચોરીના ઇરાદે વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાખી ઝપાઝપી કરી હતી. બાદમાં વૃદ્ધાને બાથરૂમ અને રૂમમાં પૂરવાની પણ કોશિશ કરી હતી. આ મહિલા ચોરી કે લૂંટ કરવામાં સફળ ન થતાં ત્યાંથી ભાગી ગઇ હતી. વાડજ પોલીસે આ મામલે તપાસ કરીને ગણતરીના સમયમાં જ આરોપી મહિલાના સાગરીતના એક્ટિવાના નંબરથી પ્રેમી યુગલની જોડીને વાડજ પોલીસે ઉઠાવી લીધા હતા.
ઉસ્માનપુરા શાંતિનગર સોસાયટીમાં રહેતા પરાગબેન શાહના મકાનના નીચેના ભાગે તેમના પતિ નર્સિંગ હોમ ચલાવતા હતા. જે ચાર વર્ષથી બંધ હાલતમાં છે અને ત્યાં સ્ટાફના શાંતાબેન રહે છે. ગત શુક્રવારે સવારે પરાગબેન ઘરે એકલા હતા તેવામાં સાડા આઠેક વાગ્યે મકાનના ધાબાની સીડી વાટેથી એક બુકાનીધારી મહિલા ગોગલ્સ પહેરીને આવી હતી. આ મહિલાને બુકાની અને ગોગલ્સ કાઢવાનું કહેતા જ તેણે વૃદ્ધા પર હાથ મારીને ચશ્મા કાઢી નાખી આંખમાં મરચાની ભુકી નાખી દીધી હતી. બાદમાં તેમને ખેંચીને બાથરૂમ અને બેડરૂમમાં પૂરી દેવાની કોશિશ કરી હતી. વૃદ્ધા ભાગીને મુખ્ય રૂમમાં દોડી આવતા આ બુકાનીધારી મહિલા ઘરનો દરવાજો બહારથી બંધ કરીને ભાગી ગઇ હતી. વાડજ પોલીસે આ મામલે તપાસ કરતા મહિલા આરોપીના સાગરિતના વાહનનો નંબર મળી આવ્યો હતો. જેથી પોલીસે તે નંબર આધારે તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી બે એક્ટિવા પણ કબજે કર્યા છે. પોલીસે યશ ઉર્ફે શિવમ કૈલાશભાઇ દેવીદાસ ભાવસાર (ઉ.23, રહે. રાણીપ અને વડોદરા) તથા રાખી પરમેશભાઇ ખાંટ (ઉ.24, રહે. ચાંદલોડિયા)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જણાયુ છે કે વડોદરાના યશ ભાવસારે તેની પ્રેમિકાને સાથે રાખીને ઝડપથી પૈસા કમાવા માટેનો શોર્ટકટ લૂંટ કે ચોરીનો પ્લાન કર્યો હતો.
મહિલા આરોપીની માતા જે ઘરમાં નોકરી કરતી હતી તે મકાને જ ટાર્ગેટ બનાવ્યું.
આ બંગલૉઝમાં પહેલા નર્સિંગ હોમ ચાલતુ હતું. જ્યાં મહિલા આરોપી રાખીની માતા નોકરી કરતી હોવાથી રાખી બંગલૉઝની ગતિવિધિઓથી વાકેફ હતી. ઘટના સમયે તેના પ્રેમીને બહાર ઊભો રાખીને તે લૂંટ કે ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસી હતી.
સી. જી. જોષી, પીઆઈ, વાડજ પોલીસ સ્ટેશન
અહેવાલ : તેજાજી ચૌહાણ (તંત્રી)