પૂર્વ અમદાવાદમાં વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરતી મહિલા ટોળકી સક્રિય થઈ છે. રામોલમાં ઠગ મહિલા ટોળકીએ થેલીમાં લાખો રૂપિયા છે કહીને વૃદ્ધાના લાખોના દાગીના લઈને છું મંતર થઇ જાય છે.
રામોલમાં પરિવાર સાથે રહેતી વૃદ્ધા તેમના મોટા બહેનને મળીને ઘરે આવી રહ્યા હતા. તે સમયે રસ્તામાં ત્રણ મહિલાએ વૃદ્ધાને અટકાવ્યા અને વાતચીત કરીને લલચાવ્યા હતા. આગળ ઉભેલી મહિલાના હાથમાં જે થેલી છે તેમાં રૂ.8થી 9 લાખ છે. થોડીવાર માટે દાગીના આપો અમે તમને રૂપિયાથી ભરેલી થેલી આપીશું. બાદમાં તમારા દાગીના પણ તમને પાછા અપાવી દઈશું. લાલચમાં આવી ગયેલી વૃદ્ધાએ રૂ.2.85 લાખના દાગીના આપી દીધા અને ઠગ મહિલાની ટોળકી વૃદ્ધાની નજર ચૂકવીને ફરાર થઇ ગઈ હતી. આ મામલે વૃદ્ધાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.
રામોલમાં સુરોલીયા એસ્ટેટ નજીક રહેતા 70 વર્ષીય વૃદ્ધ મહિલા ગત સપ્તાહે શાહીબાગમાં રહેતા તેમના બહેનને મળીને ઘરે પરત આવી રહ્યા હતા. ઘરે આવતા પહેલા વૃદ્ધાએ શાકભાજી લઈને ઘર તરફ ચાલતા જઈ રહ્યા હતા. ગત શનિવારે સાંજના સમયે સોસાયટીના ગેઇટ પાસે પહોંચ્યા ત્યારે ત્રણ મહિલાએ વૃદ્ધાને રોક્યા અને આગળ ઉભેલી મહિલા પાસે 8થી 9 લાખ રૂપિયા છે. તમારા દાગીના મને આપો તો હું તેની પાસેથી રૂપિયા લઇ આવીશ અને બાદમાં તમને તમારા દાગીના પણ પાછા આપી દઈશ.
વૃદ્ધા લાલચમાં આવ્યા અને 2.85 લાખ રૂપિયાનાં ગાળામાં અને હાથમાં પહેરલા સોનાના દાગીના ઉતારીને મહિલાને આપી દીધા હતા. બાદમાં બીજી મહિલા આગળ જઈને રૂપિયાની થેલી લઈને ઉભેલી મહિલાને દાગીના આપ્યા અને તેની પાસેથી થેલી લઈને વૃદ્ધાને આપી દીધી હતી. ઠગ મહિલાએ થેલીમાંથી 500 રૂપિયાની નોટ કાઢીને વૃદ્ધાને બતાવી અને બાકીના રૂપિયાનું બંડલ થેલીમાં છે. થોડીવાર ઉભા રહો અમે તમારા દાગીના લઈને આવીએ છીએ તેમ કહીને બંને મહિલા ત્રીજી મહિલા પાસે ગયા હતા. ત્યારબાદ વૃદ્ધાની નજરચૂકવીને ત્રણેય ઠગ મહિલાઓ રફ્ફુચક્કર થઇ ગઈ હતી.
વૃદ્ધાએ ઘણો સમય રાહ જોઈ પરંતુ મહિલા ન આવતા થેલી તપાસ કરતા તેમાંથી કાગળના બંડલ મળી આવ્યા હતા. આસપાસમાં તપાસ કરી પરંતુ ઠગ મહિલા ટોળકી મળી આવી ન હતી. અંતે વૃદ્ધા ઘરે આવ્યા અને પરિવારે બનાવ અંગેની જાણ કર્યા બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.