ફાયરિંગમાં ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સવારે 6 કલાકે જીવરાજ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. હત્યારા પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે કર્યો ઈનકાર
અમદાવાદ: ગત મોડી સાંજે નહેરૂનગર પાસે થયેલા ફાયરિંગમાં વેપારીનું મોત નીપજ્યું છે. બે અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા હતા અને એક શખ્સે નીચે ઉતરી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં વેપારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. માણેકબાગ પાસે લગભગ આઠથી સવા આઠ વાગ્યાની વચ્ચે વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સોને પકડવાની કામગીરી હાથ ધરી છે.
ફાયરિંગમાં ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સવારે 6 કલાકે જીવરાજ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. હત્યારા પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઈનકાર કર્યો છે. એક માસ અગાઉ 14 ઓકટોબરના રોજ પણ 65 વર્ષીય બદાજી ચમનાજી મોદી પર હુમલો થયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં 2 કારણો સામે આવ્યા છે. જેમાં ઇજાગ્રસ્તના ભાઈનું એક વર્ષ પહેલા રાજસ્થાનમાં મર્ડર કરવામાં આવ્યું હતું અને રાજસ્થાનમાં પરિવારની જમીન આવેલી છે. જે જમીન વિવાદમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેને લઈ આ ફાયરિંગ કર્યું હોવાનું મનાઈ રહ્યું છે.
સેટેલાઈટમાં રહેતા 65 વર્ષીય બદાજી ચમનાજી મોદી નેહરુનગર સર્કલ પાસે બોરાણા શાકભાજી અને મહાલક્ષ્મી ફ્રૂટ નામથી દુકાન ધરાવે છે. શનિવારે રાત્રે આઠ વાગ્યે તેઓ દુકાન બહાર તેમના પુત્ર રતનલાલ સાથે બેઠા હતા. ત્યારે ટાગોર ચોકી તરફથી વાહન પર બે શખ્સો આવ્યા હતા. જેમાંથી એક શખ્સ વાહન પરથી ઉતર્યો અને પોઇન્ટ બ્લેન્ક ગોળી મારી દોડીને આગળ બાઇક લઈને ઉભેલા શખ્સ પાસે જઈને ફરાર થઇ ગયો હતો.
વેપારી બદાજીને કાનના ભાગે ગોળી વાગતા લોહીલુહાણ થઈ ગયા હતા. અહીં ઉભેલા ગ્રાહકો અને આસપાસના દુકાનદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાને લઈને એલિસબ્રિજ, સેટેલાઈટ પોલીસ દોડતી આવી પહોંચી હતી. ઝોન 7 ડીસીપી, એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચનો ડીસીપી એસીપી સહિતનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો.