લોક અધિકાર વડોદરા તા.૧૭ નવેમ્બર ૨૦૨૪
આંખ અને મોઢામાં મરચું નાંખ્યું હોવા છતાં 72 વર્ષીય વૃદ્ધાએ પ્રતિકાર કરીને મહીલાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો
અમદાવાદ: શહેરમાં લૂંટના પ્રયાસનો ગજબ કિસ્સો સામે આવ્યો છે. ઉસ્માનપુરા વિસ્તારમાં સવારે આઠ વાગ્યાની આસપાસ ગોગલ્સ પહેરી બુકાનીધારી મહિલાએ ધાબાની સીડી મારફતે મકાનમાં પ્રવેશ મેળવ્યો હતો. આ લૂંટેરી મહિલાએ વૃદ્ધા એકલા હોવાથી એકલતાનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. આરોપી મહિલાએ વૃદ્ધાના આંખમાં અને મોઢામાં મરચું નાખીને બાથરૂમમાં પુરી દેવાની કોશિષ કરી. જોકે તેમાં નિષ્ફળ જતા વૃદ્ધાને બેડરૂમ તરફ લઈ ગઈ પરંતુ વૃદ્ધાએ પ્રતિકાર કરતા અંતે આરોપી મહિલા ત્યાંથી ફરાર થઈ ગઈ છે.
ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી શાંતિનગર સોસાયટીમાં 72 વર્ષીય પરાગબેન શાહ તેમના પતિ સાથે રહે છે. શનિવારે સવારના પોણા સાતેક વાગ્યાની આસપાસ તેમના પતિ લો ગાર્ડન બાજુ મોર્નિંગ વોકમાં ગયા હતા. વૃદ્ધા ઘરે એકલા હાજર હતા. તે સમયે સાડા આઠેક વાગ્યાની આસપાસ મકાનના ધાબાની સીડી પરથી એક બહેન જેણે ગોગલ્સ પહેર્યા હતા અને મોઢે બુકાની બાંધી હતી. તે સીડી મારફતે ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મહિલાએ વૃદ્ધાના ચશ્મા ખેંચીને આંખમાં તેમજ મોઢામાં મરચું નાખીને હાથે પગેથી ખેંચીને બાથરૂમ બાજુ લઈ ગઈ હતી અને વૃદ્ધાને બાથરૂમમાં પુરવાની કોશિષ કરી હતી. પરંતુ બાથરૂમ નાનું હોવાથી તે બાથરૂમમાં પુરી શકી નહીં.
વૃદ્ધ મહિલા ગભરાયા વિના સતત બૂમો પડતા રહ્યા તેથી અજાણી મહિલા પકડાઈ જવાના ડરથી રસોડાનો દરવાજો ખોલી ફરાર થઇ ગઈ હતી.આ મહિલાએ અજાણી મહિલા વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.