દેશભરમાં 111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ ચાઇનીઝ ગેંગ દુબઈ બેઠાં બેઠાં સુરતના યુવકોને એજન્ટ તરીકે રાખી સાયબર ફ્રોડ કરાવતી હતી. આ ઘટસ્ફોટ 4 આરોપી દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ સાયબર ફ્રોડની ઘટનામાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સુરતમાં ઝડપાયેલા આરોપીઓ જે ઓફિસમાં બેસીને મલ્ટીપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનના કરતા હતા એના એક જ કોમ્પ્યુટરમાં 200થી વધુ એકાઉન્ટ ઓનલાઈન લોગ-ઇન હતાં. માત્ર 30 મિનિટમાં જ સાયબર ફ્રોડના પીડિત દ્વારા જે પણ લાખો રૂપિયા મોકલવામાં આવતા હતા એને ગણતરીની મિનિટોમાં આરોપીઓ મલ્ટીપલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા.
111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં હાલ આરોપી હિરેન સાયબર સેલની કસ્ટડીમાં છે. તેણે સાયબર સેલને જણાવ્યું હતું કે તે સિવિલમાં એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. દુબઈ નોકરી કરવા માટે ગયો હતો અને ત્યાં તેની ઓળખાણ આ ચાઇનીઝ ગેંગ માટે કામ કરતા લોકો સાથે થઈ હતી અને ત્યારથી જ તે આ ગેંગ માટે એજન્ટ તરીકે કામ કરવા લાગ્યો હતો. સુરત ખાતે લોજિસ્ટિક ક્ષેત્રમાં કામગીરી કરવા માટે ઓફિસ ખોલીને આરોપીઓ એક જ કોમ્પ્યુટર થકી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરતા હતા. આ કરોડો રૂપિયા તેઓ દેશભરના અનેક લોકોને સાયબર ફ્રોડની ઘટનામાં શિકાર બનાવીને બેંક એકાઉન્ટમાં મગાવતા હતા અને ત્યાર બાદ અલગ અલગ વ્યક્તિઓના નામે ખોલાવવામાં આવેલાં એકાઉન્ટમાં મલ્ટીપલ ટ્રાન્ઝેક્શન કરતા હતા.
સુરત અને દુબઈમાં બેસીને આરોપીઓ એક બેંક એકાઉન્ટથી અનેક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. સુરતમાં અજય ઇટાલિયા આ કામકાજ સાંભળતો હતો, જ્યારે દુબઈમાં હિરેન આ ટ્રાન્ઝેક્શનનું કામ સંભાળતો હતો. સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી ટોળકી ગરીબ, લાચાર અને શ્રમિક લોકોને પાંચથી દસ હજાર રૂપિયા આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલતી હતી અને આ એકાઉન્ટમાં તેઓ દેશભરથી આવેલા ફ્રોડના પૈસાના ટ્રાન્ઝેક્શન કરતા હતા અને તેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી ચાઈનીઝ ગેંગને આપતા હતા.
સમગ્ર મામલે સાયબર સેલના PI આર. આર.દેસાઈએ જણાવ્યું હતું કે હાલ મુખ્ય સમસ્યા છે કે બેંકક્ષેત્ર સાથે સંકળાયેલા વહીવટ સંચાલકો બારીકાઈથી મોનેટરિંગ નથી કરતા. આવી સિસ્ટમમાં સુધારો આવવો જરૂરી છે. વિદેશથી બેસીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે અને જે પણ ખાતાં ખોલાવવામાં આવ્યાં છે એ ગરીબ અને મધ્યમવર્ગીય લોકોનાં છે, જેથી આટલી મોટી સંખ્યામાં જો ટ્રાન્ઝેક્શન થાય તો બેંકને પણ મોનિટરિંગ કરવાની ખૂબ જ જરૂર છે.